દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો
રાજ્ય(Gujarat)માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગે (IMD)આ શક્યતા વ્યકત કરી છે.
ગાંધીનગર: રાજ્ય(Gujarat)માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગે (IMD)આ શક્યતા વ્યકત કરી છે. હાલ તો 30 અને 31 ઓગષ્ટના દક્ષિણ ગુજરાત(south gujaratમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે રાજ્યમાં હજુ 48 ટકા વરસાદ(Rain)ની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 286 મિમી વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. શરુઆતમાં પડેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ હોંશે હોંશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું પરંતુ બાદમાં સતત વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. તો સિંચાઈ માટેના ડેમ પણ હવે તળિયાજાટક બન્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે. લાખણી તાલુકામાં માત્ર 7 ટકા વરસાદ પડ્યો છે. અહિં ખેડૂતોએ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સિંચાઈ માટે સુજલામ સુફલાફ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરી છે.
ગુજરાતમાં ગંભીર જળસંકટના એંધાણ, નર્મદા ડેમમાં માત્ર 45.40 ટકા પાણી
રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ખેંચાઈ વર્તાઈ રહી છે. હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાખી રહ્યા છે આશા. જો વરસાદ ખેંચાશે તો ગુજરાતમાં ઉભુ થઈ શકે છે ગંભીર જળસંકટ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં આ વખતે 45.40 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નર્મદા ડેમ 20 મીટર જેટલો ખાલી છે. જો આ સપ્તાહમાં વરસાદ નહી વરસે તો આગામી દિવસોમાં સિંચાઇના પાણી પર વધુ કાપ આવી શકે તેવી પૂરેપુરી સંભાવના છે.
ગુજરાતમાં વરસાદ ખેચાયો છે જેના કારણે ખેતીને ભારે નુકશાન પહોંચે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી રહી છે.ટૌટે વાવાઝોડાના નુકશાનની હજુ કળ વળી નથી ત્યા ફરી એક વાર ખેડૂતોને કુદરતી આફતનો શિકાર બનવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.હાલ નર્મદા ડેમમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમી વધારો નોંધાઇ રહ્યો છે કેમકે ઉપરવાસમાં ય વધુ વરસાદ વરસ્યો નથી જેથી નર્મદામાં પાણીની આવક ઓછી રહી છે.
ગત વર્ષ 28મી ઓગસ્ટે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.68 મિટર પાર કરી ગઇ હતી જેના કારણે ડેમના 23 દરવાજા ખોલવા પડયા હતાં.પણ આ વર્ષે વરસાદની સ્થિતિ કઇંક ઓર છે. નર્મદા જિલ્લામાં જ અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ માત્ર 487 મીમી વરસ્યો છે. અત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક માત્ર 12 હજાર 350 ક્યૂસેક થઇ રહી છે જયારે 12 હજાર કયૂસેક પાણીની જાવક છે.ટૂંકમાં 12 કલાકમાં માત્ર 7 સેમી પાણીની સપાટીમાં વધારો થયો છે જે નહીવત ગણાય.
નર્મદા ડેમમાં અત્યારે 45.50 ટકા પાણીનો જથ્થો ઉપલ્બધ છે. આ વખતે પાણી ઓછુ હોવાથી ઓગસ્ટના અંત સુધી જ સિંચાઇનુ પાણી મળશે. સપ્ટેમ્બરથી સિંચાઇના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનુ પાણી આરક્ષિત રાખવા આદેશ કર્યો છે બાકીનુ પાણી સિંચાઇ માટે આપવા સૂચના આપી છે.