જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ લોકો બસમાં શ્રીનગરથી પરત ફરતી વખતે નેશનલ હાઈવે પર અટક્યા, વહીવટી તંત્ર દ્વારા સલામતીની ખાતરી અપાઈ.

Ramban landslide: જમ્મુ અને કશ્મીરના રામબન જિલ્લામાં ભુસ્ખલન અને ખરાબ વાતાવરણના કારણે ગુજરાતના ૫૦ જેટલા પ્રવાસીઓ ફસાયા છે. આ પ્રવાસીઓમાં ગાંધીનગરના ૩૦ અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ૨૦ લોકોનો સમાવેશ થાય છે. તેઓ શ્રીનગરથી બસમાં પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ૧૪ ઉપર રામબન જિલ્લામાં ફસાઈ ગયા હતા.
પાલનપુરના પ્રવાસીઓ ફસાતા તેમણે તાત્કાલિક બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલે તુરંત જ રામબન જિલ્લાના કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે બસમાં સવાર એક મુસાફર શ્રી કેતન સાથે પણ વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તમામની સુરક્ષિતતા અંગે પૂછપરછ કરી હતી.
બનાસકાંઠા કલેક્ટરના સંપર્ક બાદ રામબન જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક બચાવ ટુકડીને ઘટના સ્થળે રવાના કરી હતી. રામબન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ અત્યંત ખરાબ હોવાથી મોડી રાત સુધીમાં તેમને કોઈ સુરક્ષિત ઇમારતમાં આશ્રય આપવામાં આવશે અને સવારે પરિસ્થિતિ જોઈને બસને બનિહાલ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.
બનાસકાંઠા પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં તમામ ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રામબન જિલ્લા વહીવટીતંત્રની ટીમ બચાવ કામગીરીમાં સંપૂર્ણ મદદ કરી રહી છે. આ ઘટનાને કારણે પ્રવાસીઓના પરિવારજનો ચિંતિત છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમની સલામતી સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને કરા બાદ ભૂસ્ખલનને કારણે મોટાપાયે વિનાશ થયો છે. ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેને જોતા મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદ અને અચાનક પૂરને પગલે જિલ્લાના ડીએમએ બચાવ અને રાહત કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર કુમાર ચૌધરી રામબનમાં સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં જિલ્લામાં ભારે વરસાદ અને કરા સાથે ભૂસ્ખલનને કારણે ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું હતું. ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા છે.





















