ગુજરાતમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન, એક જ દિવસમાં 22.15 લાખથી વધુ રસીના ડોઝ અપાયા
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે.
રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૫.૫૭ કરોડ થઇ ગયો છે. જેમાંથી ૩.૯૫ કરોડે પ્રથમ ડોઝ અને ૧.૬૧ કરોડ લોકોએ બંન્ને ડોઝ લઈ લીધા છે. દેશમાં કુલ સૌથી વધુ વેક્સિનેશનના ડોઝ અપાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૯.૩૧ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૭.૧૮ કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૫.૬૧ કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન ૫.૨૭ કરોડ સાથે પાંચમાં સ્થાને છે.
રાજ્યમાં એક જ દિવસમાં સુરત કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૧.૮૬ લાખને રસી અપાઈ. તો અમદાવાદ કોર્પોરેશનમાંથી ૧.૪૨ લાખ લોકોને રસી અપાઈ. મહેસાણામાં ૭૬ હજાર ૨૨૧, બનાસકાંઠામાં ૭૫ હજાર ૫૪૯, અમદાવાદ ગ્રામ્યમાંથી ૭૪ હજાર ૮૭૨ને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. કુલ સૌથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોય તેમાં અમદાવાદ કોર્પોરેશન ૫૩.૭૭ લાખ સાથે મોખરે છે. તો સુરત કોર્પોરેશન ૪૫.૫૦ લાખ સાથે બીજા, બનાસકાંઠા ૨૮.૨૬ લાખ સાથે ત્રીજા, વડોદરા કોર્પોરેશન ૨૦.૮૧ લાખ સાથે ચોથા અને આણંદ ૧૯.૩૧ લાખ સાથે પાંચમાં સ્થાને છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 154 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, ગઈકાલે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.