ગીર અને દીવમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ દરિયો તોફાની બન્યો, લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ
દીવના દરિયા બાદ કોડીનારના મુળદ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ આવતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે.
ગીર સોમનાથ: દીવના દરિયા બાદ કોડીનારના મુળદ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ આવતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉંચા ઉંચા મોજા ઉછળવાના કારણે પ્રશાસને સહેલાણીઓને દરિયાની નજીક ન જવા અપીલ કરી છે.
ગીર અને દીવમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળવાની સાથે પાણી તોફાની બન્યું છે. દરિયાના મોજાનો ખૌફનાક અવાજ દરિયાકાંઠે ફરવા આવેલા પ્રવાસીઓને ડરાવી રહ્યો છે. જેને લઈ પ્રવાસીઓ પણ દરિયાના દૂરથી જ કરી રહ્યા છે દર્શન. આમ પણ દીવ પ્રશાસને પહેલી જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ તેમજ દરિયામાં નહાવા પર પ્રતિબંધ મુક્યો છે. એટલે કે તમે દીવના દરિયા કિનારે જઈને ફરી તો શકશો પણ દરિયામાં અંદર નહી જઈ શકો.
રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જામવટ કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ,તાપી સહિત અન્ય જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભવાના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિત અન્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજયમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
ભારે વરસાદની આગાહીને લઈ પ્રશાસન સતર્ક છે. રેસ્ક્યૂની સાધન સમાગ્રી સાથે વડોદરાથી NDRFની સાત ટીમ અને ગાંધીનગરથી એક ટીમ મોકલાઈ છે. રાજકોટમાં ચાર ટીમ તો આણંદ, પાલનપુર, નવસારી અને સુરતમાં એક-એક ટીમડિપ્લોય કરાશે.