વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વેબસાઈટની ધીમી ગતિ અને આવકની મર્યાદામાં સુધારાને કારણે લેવાયો નિર્ણય, શિક્ષણ મંત્રીએ 10 દિવસ વધુ સમય વધારવાની પણ કરી વિચારણા.

RTE Gujarat last date: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ 2025 હતી, જે હવે વધારીને 16 માર્ચ 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે લેવામાં આવ્યો છે. જેના લીધે વેબસાઈટ ધીમી પડી ગઈ હતી અને વાલીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત, સરકાર આવકની મર્યાદામાં પણ સુધારો કરવાની વિચારણા કરી રહી છે, જેના કારણે કેટલાક વાલીઓને હજુ સુધી આવકના દાખલા કઢાવવામાં સમય લાગી રહ્યો છે.
સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "RTEમાં આવકની વિસંગતતા હતી. અન્ય તમામ બાબતોમાં 6 લાખની આવક મર્યાદા રાખવામાં આવી રહી છે. આવકના આ સુધારા માટે થોડો વધુ સમય આપવો જરૂરી છે, જેથી વધુ આવક ધરાવતા જરૂરિયાતમંદ લોકો પણ યોજનાનો લાભ લઈ શકે. અમે અંદાજે 10 દિવસનો વધુ સમય આપવા અંગે વિચારણા કરી રહ્યા છીએ."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે, પરંતુ જે લોકોની આવક થોડી વધુ છે તેઓને પણ ફોર્મ ભરવાનો મોકો મળે તે માટે સમય વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. 6 લાખની આવક મર્યાદા કરવા અંગે 99 ટકા નિર્ણય લેવામાં આવશે."
RTE એક્ટ હેઠળ, ગરીબ, અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક મળે છે, અને તેમની ફી સરકાર દ્વારા સીધી શાળાઓને ચૂકવવામાં આવે છે.
ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો થવાથી વાલીઓને રાહત થશે અને તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં ફોર્મ ભરી શકશે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. વાલીઓને શિક્ષણ વિભાગની વેબસાઈટ નિયમિત રીતે જોતા રહેવા અને અપડેટ્સ માટે સૂચના આપવામાં આવી છે.
વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરતી વખતે, 1 જૂન, 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો જ ધોરણ 1 માં પ્રવેશ માટે યોગ્ય છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત), ઇન્કમટેક્ષ રીટર્ન (જો લાગુ હોય તો), અને આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જેવા અસલ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.




















