રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમી જોઈને શાળા સમય બદલી શકાશે, પ્રાથમિક શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર
હીટવેવથી ડરશો નહીં, જાગૃતિ અને તકેદારી જરૂરી: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા.

Gujarat school heat guidelines: રાજ્યમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને બાળકોની વિશેષ કાળજી લેવા અપીલ કરવામાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ હીટવેવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માટે બાળકોનું હિત સર્વોપરી છે અને પ્રાથમિક શાળાના બાળકો હીટવેવનો ભોગ ન બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મંત્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીને ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ માટે તેમને રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આ નિર્ણયનો હેતુ એ છે કે જે જિલ્લાઓમાં વધુ ગરમી હોય ત્યાં શાળાનો સમય વહેલો કરીને બાળકોને ગરમીથી બચાવી શકાય.
માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બાદ મેદાનમાં કોઈપણ પ્રકારની ખેલકૂદની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. આ ઉપરાંત, ઉનાળાની ગરમીમાં શિક્ષકોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને સમયાંતરે પાણી પીતા રહે તે માટે યાદ કરાવે. બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવી એ શિક્ષકોની પણ જવાબદારી છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે હીટવેવથી ડરવાની જરૂર નથી, પરંતુ તેના વિશે જાગૃત રહેવું અને પોતાના બાળકોની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે નાની અમથી તકેદારી પણ બાળકોને હીટવેવની ગંભીર અસરોથી બચાવી શકે છે. રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે તમામ જરૂરી પગલાં ભરી રહી છે અને નાગરિકોનો સહયોગ પણ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવા માટેના મુખ્ય ઉપાયો:
વારંવાર ઠંડુ પાણી પીવો અને લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી જેવા પ્રવાહીનું સેવન કરો.
બને ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળો અને વધુ પડતો શ્રમ ન કરો.
કામ પર જતી વખતે વચ્ચે છાયડામાં થોડો સમય આરામ કરો.
માથા પર ઠંડુ ભીનું કપડું રાખો અને શ્રમિકો ખુલ્લા શરીરે કામ ન કરે.
ઉપવાસ કરવાનું ટાળો.
ઠંડી જગ્યાઓ જેમ કે મંદિર, મોલ વગેરેમાં જાઓ.
ઘર અને ઓફિસમાં પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરો.
સગર્ભા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખો.
બહાર નીકળતી વખતે આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરો.
ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો.
બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળો.
બાળકો માટે નાહવાના પાણીમાં કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો ઉપયોગ કરો.
બજારનો ખુલ્લો ખોરાક અને બરફ ખાવાનું ટાળો.
ચા, કોફી અને દારૂનું સેવન ટાળો.
ઘરની છત પર સફેદ રંગ અથવા ટાઇલ્સ લગાવો.
લૂ લાગવાના (હીટવેવના) મુખ્ય લક્ષણો:
માથું દુખવું અને પગની પીંડીઓમાં દુખાવો થવો.
શરીરનું તાપમાન વધી જવું.
ખૂબ તરસ લાગવી અને શરીરમાં પાણીની કમી થવી.
તાવ આવવો અને ત્વચા ગરમ અને સૂકી થઈ જવી.
નાડીના ધબકારા વધવા.
ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવવા.
બેભાન થઈ જવું અને સુધ-બુધ ગુમાવી દેવી.
ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.





















