આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે.
રાજ્યની સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. આજે વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરીથી શરૂ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ રહ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.
રાજ્ય સરકાર જ્યાં સુધી ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી ઓનલાઈન વર્ગ જ ચાલુ રહેશે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતા સ્કૂલો ફરીથી શરૂ થતી હોવાના કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોને સેનેટાઈઝ કરવામાં આશે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું ટેમ્પરેચર ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગથી ચેક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ પણ એક મહિલા જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવશે. બાદમાં કોરોનાની જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન શિક્ષણ અંગે રાજ્ય સરકારના આદેશ અનુસાર શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશલ ડિસ્ટસિંગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે.
મુસાફરોને મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ બસના ડ્રાઈવર અને કંડક્ટરનું થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક થશે. અને જો થુંકતા પકડાશે તો 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવા માટે વિજીલંસની ટીમ અલગ અલગ સ્ટેશનો પર તૈનાત રહેશે .
જોકે અમદાવાદમાં કોરોના કર્ફ્યુ લાગુ હોવાથી સવારના છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી જ બસ સેવા યથાવત રહેશે. આજથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટે આપ્યો છે.