(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણીની તૈયારીને લઈ આજથી બે દિવસ કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક
આ બેઠકમાં 26માંથી 26 બેઠકો પાંચ લાખના અંતરથી જીતવાનો સંકલ્પ લેવામાં આવશે. દરેક વોર્ડ અને બુથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે.
Gujarat BJP: ગુજરાત ભાજપે 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેના ભાગ રૂપે આજથી બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 29 અને 30 ડિસેમ્બરનાં રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક મળશે. સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને પ્રવક્તા પેનલ બેઠકને અપાશે માર્ગદર્શન. કેન્દ્ર સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.
આ બેઠકમાં 26માંથી 26 બેઠકો પાંચ લાખના અંતરથી જીતવાનો સંકલ્પ લેવામાં આવશે. દરેક વોર્ડ અને બુથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે. મહિલા અને યુવા મતદાતાઓને પક્ષ સાથે જોડવાનું આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પક્ષનો વોટ શેયર વધારવાની રણનીતિ ઘડવામાં આવશે. PM મોદીની ગેરન્ટીના સૂત્ર સાથે જનમત મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.