Gujarat Rain: રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી ઈમરજન્સી બેઠક, તમામ કલેક્ટરને આપ્યા આ આદેશ
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે તંત્રની સતર્કતા અને સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વરસાદગ્રસ્ત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવી હતી.

ગાંધીનગર: છેલ્લા બે દિવસથી રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મોડી સાંજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, NDRF અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજી
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે તંત્રની સતર્કતા અને સજ્જતાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વરસાદગ્રસ્ત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસર અંગે સીધી માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજી હતી.
ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને કારણે નાના પૂલો, નાળા અને કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની સઘન તકેદારી રાખવાની કડક સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, આવા સંવેદનશીલ સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ લગાવવા અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના પણ નિર્દેશો આપ્યા હતા. બોટાદ અને અમરેલી જિલ્લાના કલેક્ટરો સાથે તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા બચાવ, રાહત અને અન્ય કામગીરીની વિશેષ સમીક્ષા કરી હતી.
રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં તંત્રની સજ્જતા તેમજ જનજીવનને થયેલ અસર અંગે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તંત્રની કામગીરીની સમીક્ષા કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 17, 2025
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પૂલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ… pic.twitter.com/10NA4DYD74
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પુર આવતા અનેક ગામડાઓમાં પાણી ઘુસી ગયા છે.
ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોક પાંડેની ઉપસ્થિતિમાં વેધર વોચ કમિટીની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં હવામાન વિભાગ, માર્ગ-મકાન, NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ, રાહત-બચાવ કાર્ય સહિતની બાબતો પર સમીક્ષા કરાઈ હતી.
સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં વરસાદ
સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઈંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1 થી 6 ઈંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.





















