રાજ્ય સરકારે જીવનરક્ષક દવાઓની સંખ્યા 717થી વધારીને 1382 કરી, ફ્રીમાં મળશે આ બધી દવા
ગત વર્ષની તુલનામાં કાર્ડિયોવાસ્ક્યુલર દવાઓની સંખ્યા 24થી વધીને 117, એન્ટી ઇન્ફેક્ટિવ દવાઓ 120થી 199, કેન્સર વિરોધી દવાઓ 13થી 47 અને ન્યુરોલોજિકલ અને સાયકિયાટ્રિક દવાઓ 52થી વધીને 123 થઈ છે.
Essential drug list increase 2024: ગુજરાત સરકારે 2024 25ના વર્ષ માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટ (EDL)માં નોંધપાત્ર વધારો કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે નવા EDLમાં 665 નવી દવાઓ ઉમેરવામાં આવી છે, જેના કારણે કુલ દવાઓની સંખ્યા 717થી વધીને 1382 થઈ ગઈ છે.
મંત્રીએ જણાવ્યું કે, "રાજ્યના દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર અને ગુણવત્તાસભર દવાઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે." તેમણે ઉમેર્યું કે આ દવાઓ રાજ્યભરના તમામ આરોગ્ય કેન્દ્રો પર, ગ્રામીણ સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી, મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નવા EDLમાં ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, ચેપ વિરોધી, હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીના રોગો માટેની જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે.
આ અપડેટેડ લિસ્ટમાં પ્રાથમિક સારવાર માટે 308, માધ્યમિક સારવાર માટે 495, ટર્શરી સારવાર માટે 1349 અને વિશેષ સારવાર માટે 33 દવાઓનો સમાવેશ થાય છે. કુલ મળીને, લિસ્ટમાં 543 ટેબ્લેટ્સ, 331 ઇન્જેક્શન્સ, 300 સર્જિકલ આઇટમ્સ અને 208 અન્ય પ્રકારની દવાઓ છે.
ગત વર્ષની તુલનામાં કાર્ડિયોવાસ્ક્યુલર દવાઓની સંખ્યા 24થી વધીને 117, એન્ટી ઇન્ફેક્ટિવ દવાઓ 120થી 199, કેન્સર વિરોધી દવાઓ 13થી 47 અને ન્યુરોલોજિકલ અને સાયકિયાટ્રિક દવાઓ 52થી વધીને 123 થઈ છે.
આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દર વર્ષે દવાઓની ખરીદી માટે EDLને સુધારે છે. આ વર્ષના અપડેટમાં 12 જેટલા રોગોની જીવનરક્ષક દવાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
આ પગલાંથી રાજ્યના નાગરિકોને વધુ વિસ્તૃત અને અસરકારક આરોગ્ય સેવાઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
જીવન રક્ષક દવાઓ એવી દવાઓ છે જે કોઈપણ ગંભીર બીમારી અથવા ઈજાની સ્થિતિમાં વ્યક્તિના જીવનને બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ દવાઓ સામાન્ય રીતે ઈમરજન્સીની સ્થિતિમાં વપરાય છે અને તેમાં હૃદય રોગના દર્દીઓ માટેની દવાઓ, એલર્જીની દવાઓ, અને અન્ય ઘણી પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, 1 એપ્રિલથી ભારતમાં 800 થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. વાસ્તવમાં, સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં ઘણા ફેરફારો કર્યા છે જેના હેઠળ હવે ઘણી દવાઓની કિંમતો વધશે. આ દવાઓની કિંમતમાં લગભગ 12 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત નેશનલ એસેન્શિયલ મેડિસિન લિસ્ટ (NLEM)માં 0.0055 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ સૂચિમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જે સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં ઉપયોગી છે.