Surendranagar: ચોટીલામાં શિકાર કરેલી શાહુડીનાં માંસનો વેપાર કરતી મહિલા ઝડપાઈ, શિકારીઓમાં ફફડાટ
News: ચોટીલામાં ડુંગર પાછળ આવેલા મફતિયાપરા વિસ્તારમાં વન વિભાગે છાપો મારી શાહુડીનાં માસનું વેચાણ કરવાનાં ગુનામાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી રેકેટનો પર્દાફાશ કર્યો.
Surendranagar News: યાત્રાધામ ચોટીલામાં શિકાર કરેલી શાહુડીના માંસનો વેપાર કરતી મહિલા ઝડપાઈ હતી. પોલીસે ત્રણ લોકોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેને લઈ ગેરકાયદે શિકાર કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો. બાતમીના આધારે ડુંગર પાછળ મફતિયાપરામાં વન વિભાગે છાપો માર્યો હતો. એક વેપારીએ બાતમી આપી દીધાની આશંકા રાખી આરોપીઓએ બોલાચાલી કરી હંગામો મચાવ્યો હતો.
એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ
ચોટીલામાં ડુંગર પાછળ આવેલા મફતિયાપરા વિસ્તારમાં વન વિભાગે છાપો મારી શાહુડીનાં માસનું વેચાણ કરવાનાં ગુનામાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડી પાડી રેકેટનો પર્દાફાશ કરતા શિકારી પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
તપેલામાં રાંધેલા માસ તથા કાઢી નાખેલું ચામડું સહિતનો મુદ્દામાલ મળી આવ્યો
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા વન વિભાગને ખાનગી રાહે બાતમી મળેલ કે મફતિયાપરા વિસ્તારમાં રહેતી મહિલા લઈને આવેલ છે જેના આધારે આર.એફ.ઓ. એન. ડી. રોજાસરા, વનપાલ બી.બી. ખાચર પંચોને સાથે રાખી હકિકતવાળી મહિલા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરે છાપો મારતા શાહુડીનું તપેલામાં રાંધેલા માસ તથા કાઢી નાખેલું ચામડું સહિતનો મુદ્દામાલ મળી આવતા ચોંકી ઉઠેલ હતા. અને આ અંગે વધુ પુછતાછ કરતા રાંધેલ હતું તેમાંથી મફતીયાપરામાં રહેતા વિનોદભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી)ને વેચાતુ આપેલ હોવાનું જણાવતા વિનોદભાઈ મારવાડીને ત્યાં તપાસ કરતા તેના કબ્જામાંથી શાહુડીનું રાંધેલુ માસ અને સાથે કાળુભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી) નામનો શખ્સ આ માસ ખાવા માટે આવેલ જે ખાઈ તે પહેલા જ પકડી પાડી ત્રણેય આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ 1972ની કલમો મુજબ ગુન્હો નોંધી ચોટીલા કોર્ટ સમક્ષ રજૂ કરતા ના. કોર્ટે હુકમ કરતા જેલ હવાલે કરાયા હતા. જોકે આરોપીઓનાં પરિવાર દ્વારા મફતિયાપરામાં દુકાન ધરાવતા મનસુખભાઈએ બાતમી આપી હોવાની આશંકા સાથે બોલાચાલી કરી હંગામો મચાવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે. ચોટીલા વન વિભાગનાં છાપામારીની ચર્ચા વાયુવેગે પ્રસતા શિકારખોરી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.