Surendranagar: સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકના મોત, બેની અટકાયત
Surendranagar: સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વધુ એકવાર મોતની ખાણ સાબિત થઈ હતી
Surendranagar: સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વધુ એકવાર મોતની ખાણ સાબિત થઈ હતી. સુરેન્દ્રનગરના મૂળીના દેવપરામાં જીલેટીન બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. ત્રણ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. થોડા દિવસ પહેલા પ્રશાસને ગેરકાયદે ખાડાનું પુરાણ કર્યું ત્યાં જ અમુક શખ્સો શ્રમિકો પાસે ખોદકામ કરાવતા હતા.
શ્રમિકોના મોતને લઈ ખાડાઓ પર ગેરકાયદે કબજો જમાવનાર બે શખ્સની મૂળી પોલીસે અટકાયત કરી હતી. રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપ્યા હતા. ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, DYSP સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્રણેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા.
થાન દેવપરા ગામમાં કોલસાની ખાણમાં ગેરકાયદે બ્લાસ્ટ કરતા સમયે ઝેરી ગેસ ગળતર થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છનુભાઇ રાવત, રામદેવસિંઘ રાવત અને રાજુભાઇ હરજીભાઇ નામના ત્રણ પરપ્રાંતિય શ્રમિકના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ મૂળી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ગેરકાયદે ખોડેલા ખાડા બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડા પર ગેરકાયદે કબજો કરનાર બે શખ્શો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી.
થોડા દિવસ અગાઉ ત્રણ લોકોના મોત થયા હતા
નોંધનીય છે કે મૂળીના ખપાળીયા ગઢડા ગામની સીમમાં 24 જાન્યુઆરીએ કૂવો ગાળતી સમયે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.આમ 21 દિવસમાં જ ખાણ મજૂરોના મોતની બે ગંભીર ઘટનાઓ બનતા પ્રશાસનની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે.
ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત કેસમાં કાર્યવાહી શરૂ થઇ હતી. ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોલસાની ખાણમાં મોતના કેસમાં પાંચ ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઇ છે. સેફ્ટી વગર કામદારોને ખાણમાં ઉતારતા આ ઘટના બની હતી. જમીન માલિક સહિત પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
જે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા,જનકભાઈ કેશાભાઈ પરમાર, કિશોરભાઈ હેમુભાઈ બાવળીયા, દેવશીભાઈ (જમીન માલિક), દિનેશભાઈનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 337, 338 અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. મૃત્ય પામેલા મજૂરોનો પીએમ કરાવ્યાં વગર દાહોદ મોકલી દેવાયા હોવાનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ખનિજ માફિયાઓએ મજૂરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.