સ્વામિનારાયણ સંપ્રદાયનું નવું કારસ્તાન? સંતોને દેવોના અવતાર ગણાવતા પોસ્ટરથી ભડકો
રૈયારોડ સ્થિત JAPS મંદિરમાં વિવાદીત પોસ્ટરથી વિવાદ, સ્વામિનારાયણના સંતોને વિવિધ દેવી-દેવતાઓના અવતાર તરીકે દર્શાવાયાનો આરોપ.

Swaminarayan sect controversy: સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વખત વિવાદોમાં સપડાયો છે. જોગાસ્વામી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ સંપ્રદાયના રૈયારોડ સ્થિત JAPS સ્વામિનારાયણ મંદિરમાં એક વિવાદીત પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ભગવાનના અવતાર તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે.
આ વિવાદીત પોસ્ટરમાં ગોપાલાનંદ સ્વામીને શ્રીકૃષ્ણના અવતાર તરીકે, મૂળજી બ્રહ્મચારીને હનુમાનજીના અવતાર તરીકે, રામપ્રતાપભાઈને રામચંદ્રજીના અવતાર તરીકે, અદભુતાનંદને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે અને સ્વરૂપાનંદને ભગવાન શંકરના અવતાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરને લઈને એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પોતાના ધર્મને ઊંચો દેખાડવા માટે ફરી એકવાર હિન્દુ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જો કે, આ વિવાદ અંગે એક હરિભક્તનો દાવો સામે આવ્યો છે કે આ વિવાદીત બોર્ડ છેલ્લા દોઢ વર્ષથી મંદિરમાં જોવા મળ્યું નથી. તેમ છતાં, આ પોસ્ટર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે. શક્યતા એવી પણ છે કે વિવાદ વધતા આ બોર્ડને મંદિર પરિસરમાંથી હટાવી દેવામાં આવ્યું હોય. આ ઘટનાને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ભક્તોમાં આ પોસ્ટરને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ આ કૃત્યને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવી રહ્યા છે.
રામેશ્વરબાપુથી જ્યોતિર્નાથ મહારાજના આકરા પ્રહારો
સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે હિન્દુ ધર્મગુરુઓએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સંતોને દેવોના અવતાર તરીકે દર્શાવવાના મુદ્દે રામેશ્વરબાપુ, યોગી દેવનાથ મહારાજ અને જ્યોતિર્નાથ મહારાજે કડક શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
રામેશ્વરબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે "આ લોકો સુધરવા તૈયાર નથી. તેમના પર હસવું આવે છે. આનાથી નિમ્ન કક્ષાનું કાર્ય કોઈ ન હોય. સ્વામિનારાયણના સંતો સાક્ષાત કરે છે. આ લોકો મીડિયા સામે આવવા તૈયાર નથી. સરકાર આ બાબતે રસ લેવો જોઈએ, નહીં તો લાંબા ગાળે હિંદુ સમાજને જ નુકસાન થશે."
તો બીજી તરફ, યોગી દેવનાથ મહારાજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરતા કહ્યું હતું કે "આ લોકોને મર્યાદાની કોઈ ખબર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ શું છે? સ્વામિનારાયણના સંતો બેશરમ છે. તેઓ પોતાની લીટી લાંબી કરે છે. સ્વામિનારાયણના સંતોને અંગ્રેજોએ સોપારી આપેલી છે. હિંદુ ધર્મને તોડવાનો પ્રયાસ કરાયો છે. સ્વામિનારાયણના સંતો હવે માપમાં રહે."
આ ઉપરાંત, જ્યોતિર્નાથ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયને "ફેબ્રિકેશન સંપ્રદાય" ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે "આ સંપ્રદાય સામે સખ્ત કાર્યવાહી થશે. સ્વામિનારાયણ સંપ્રદાયને ૧૯ નોટિસ મોકલવામાં આવી છે. આ સંપ્રદાયમાં બની બેઠેલા લોકો છે, જે મૂળભૂત સનાતન ધર્મ પર પ્રહાર કરી રહ્યા છે."
આ ત્રણેય હિન્દુ ધર્મગુરુઓના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંતોને દેવોના અવતાર તરીકે દર્શાવવાના મુદ્દે હિન્દુ ધર્મમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ધર્મગુરુઓએ સંપ્રદાયને તેમની મર્યાદામાં રહેવાની અને સનાતન ધર્મનું અપમાન ન કરવાની ચેતવણી આપી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ આગળ શું સ્વરૂપ લે છે.





















