પુત્ર મોહમાં 32 દિવસની દીકરીની પરિવારે કરી હત્યા, એક વર્ષ પછી આ રીતે ફૂટ્યો ભાંડો
મહત્વનું છે કે 32 દિવસની માસૂમ દીકરી મિષ્ટીનું મૃત્યુ મહેસાણા જિલ્લામાં મર્ડર મિસ્ટ્રી બની છે.
મહેસાણાના કડીમાં એક માસની બાળકીના હત્યા મામલે DYSP એ.બી વાળંદે મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે બાળકીના ગળાના ભાગે લાલ કલરના નિશાન હતા, જે બાબતે ધાવણની એલર્જી હોવાનું પરિવારે કારણ આપ્યું હતું.
પોલીસે બાળકીનું પીએમ અને એફએસએલ મારફતે તપાસ કરાવડાવી, જેના રિપોર્ટમાં ખુલાસો થયો કે બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું. આ મામલે કડીના કરણનગરના રામભૂમિ એપાર્ટમેંટમાં રહેતા બાળકીના માતા પિતા,દાદા-દાદી સામે ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અને ફરીયાદ બાદ આરોપીઓ ફરાર છે, જેમને નજીકના સમમાંજ ઝડપી લેવાશે તેવો પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે 32 દિવસની માસૂમ દીકરી મિષ્ટીનું મૃત્યુ મહેસાણા જિલ્લામાં મર્ડર મિસ્ટ્રી બની છે, જે મામલે ખુદ સ્થાનિક ડીવાયએસપીએ ફરિયાદી બની પરિવારજનો સામે ફરીયાદ નોંધી છે.
પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું. આ ઘટના આશરે એક વર્ષ પહેલાની છે.
પોલીસે પૂર્વયોજિત કાવતરુ અને હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ કેસની તપાસ વિસનગરના ડિવાય એસપી એ.બી.વાળંદને સોંપવામાં આવી છે.