બુટલેગરો બેફામ: સરકારી વાહનને આગ ચાંપી, પોલીસ પર હુમલો, પોલીસનું સ્વબચાવમાં ફાયરીંગ
દાહોદ જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ડરના હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે.
દાહોદ : ગુજરાતમાં બુટલેગરો બેફામ બની પોલીસ પર હુમલાઓ કરતા રહે છે. ત્યારે ફરી એક વખત બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાની ઘટના બની છે. દાહોદ જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ડરના હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે ગત મોડી રાત્રિના સાગટાળા પોલીસ કાળીયાકુવા ગામે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમા દારૂ ઘુસાડવામા આવી રહ્યો છે. આ દરમિયાન સાગટાળાના કાળીયાકુવા ગામે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડાના કુતરીયા નાયક, દિલીપ નાયક, રાજુ તોમર સહીતના બુટલેગરો પોતાની મોટરસાયકલ ઉપર દારૂ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સાગટાળા પોલીસે દારૂ સાથેની બાઈકો રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના સરકારી વાહનને આંગ પણ ચાંપી
બુટલેગરના બાઈકને રોકવામાં આવતા પોલીસ ઉપર બુટલેગર અને તેના સાગરીતોએ પંદરેક જેટલા માણસો દ્વારા મોટરસાયકલ ઉપર આવી હાથમાં તીર કામઠા, ધારીયા, પાળીયા, લાકડી તેમજ પાઈપો જેવા હથિયારોથી પોલીસ પર હુમલો કર્યો હતો. દારૂ સાથે બાઈકો લઈને ભાગી જવામા સફળ રહ્યા હતા. આ સમગ્ર ઘટનામા સાગટાળા પોલીસના સરકારી વાહનને આંગ પણ ચાંપી હતી. જેમા પોલીસે પોતાના સ્વબચાવમાં 3 રાઉન્ડ ફાયરીંગ પણ કરવાની ફરજ પડી હતી.
પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
સાગટાળાના કાળીયાકુવામાં બુટલેગરો દ્વારા પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવા જેવી ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહીત જિલ્લાના તમામ પોલીસને બોલાવી લેવામા આવી હતી અને ભાગી ગયેલા બુટલેગરો તેમજ તેમના સાગરીતોને શોધવા પોલીસે અલગ-અલગ 5 ટીમો બનાવી હતી. બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને પગલે પંચમહાલ રેન્જ આઈજી મયુર કોરડીયા પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભરૂચમાં બુટલેગર બેફામ
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કર્મી પર જ સામે હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.