(Source: ECI/ABP News/ABP Majha)
અઢી મહિના સુધી બંધ રહ્યા બાદ ઘોઘા-હજીરા કો-પેક્સ ફેરી સર્વિસ આજથી ફરી શરૂ, સવારે 8 વાગ્યાથી પ્રથમ ટ્રીપ
અઢી માસ બાદ ફેરી સર્વિસ શરૂ થવાની હોવાથી પ્રારંભિક દિવસોમાં સંભવત્ ટ્રાફિક ઓછો મળશે. જો કે, દિવાળીના સમયમાં ફૂલ ટ્રાફિક રહેવાની ધારણાં છે.
અઢી મહિના જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ થશે. દિવાળી પૂર્વે જ રો-પેક્સ સેવા ફરી શરૂ થતાં લોકોને ઓછા સમયમાં ભાવનગર અને સુરત આવવા જવા માટે સમય બચત સાથેની સુવિધા મળશે. ભાવનગર-સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટીવીટી વધારી અંતર ઘટાડવાના હેતુથી નવેમ્બર-૨૦૨૦થી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી.
જો કે જહાજને વાર્ષિક શેડયૂલ મુજબ ડ્રાય ડોક મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસને ૨૪ જુલાઈથી બંધ કરવામાં આવી હતી. જેના કારણે અઢી માસથી વધુ સમય સુધી ફેરી સર્વિસ બંધ રહ્યા બાદ જહાજનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થઈ જતાં ટ્રાયલ અને સરકારી ચકાસણીની પ્રક્રિયા પૂરી થતા ફેરી સર્વિસને ઓપરેટ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે.
જેથી આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા પુનઃ શરૂ થઈ જશે. આજે સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડશે. જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે.
અઢી માસ બાદ ફેરી સર્વિસ શરૂ થવાની હોવાથી પ્રારંભિક દિવસોમાં સંભવત્ ટ્રાફિક ઓછો મળશે. જો કે, દિવાળીના સમયમાં ફૂલ ટ્રાફિક રહેવાની ધારણાં છે. હાલ ટિકિટ બુકીંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે નવેમ્બર માસનું બુકિંગ ૨૩મીથી ખુલશે તેમ કંપનીના આધિકારીત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે 10થી 12 કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે.
રો-પેક્સ ન માત્ર વેપારની દ્રષ્ટિએ પરંતુ મુસાફરીની દ્રષ્ટિએ પણ એક મોટું વરદાન છે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારો દરિયાઈ મુસાફરી સાથે આરામદાયક રીતે અને ઝડપી રીતે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરી શકશે.