નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ગુરૂવારે વરસાદ વરસ્યો હતો.
નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં તો શનિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથોસાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જો કે આગામી રવિવારથી વરસાદની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ગુરૂવારે વરસાદ વરસ્યો હતો.
દેશમાં ક્યાં છે વરસાદની આગાહી
દેશના ઘણા ભાગોમાંથી ચોમાસુ પાછું ફર્યું છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. દેશના આ ભાગોમાં હજુ ચોમાસુ પાછું આવ્યું નથી. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ અને ગોવા સિવાય મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કોસ્ટલ કર્ણાટક અને કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 ઓક્ટોબરે પણ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 10 ઓક્ટોબરે, આ રાજ્યો સિવાય તમિલનાડુ, પુડુચેરી અને કારાયકલના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 ઓક્ટોબરે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
દિલ્હીમાં હવામાનની સ્થિતિ
દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે પવનની ઝડપ લગભગ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ મોનસૂન 17 સપ્ટેમ્બર પછી ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું શરૂ કરે છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું પરત ફરી રહ્યું છે અને દેશના ઘણા ભાગોમાં ડૂબી જવાનું છે. આ વખતે ચોમાસા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.