શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
અમદાવાદ: ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જીવન જરુરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી થવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભાવ આસમાને પહોંચ્યા છે.
ટામેટા લોકોને રડાવી રહ્યા છે, તેનો ભાવ 100 રુપિયા કિલો પહોંચ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગમાં દરરોજ વપરાશમાં લેવામાં આવતા બટાકા અને ડુંગળીના ભાવોમાં પણ જોરદાર વધારો થયો છે. જીવન જરુરીયાતની વસ્તઓમાં ભાવ વધારો થવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ટામેટા હાલમાં 100 રુપિયા પ્રતિ કિલો પહોંચ્યા
સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા અંદાજે 15 રુપિયા પ્રતિ કિલો મળતા હોય છે, જેનો ભાવ હાલમાં 50 રુપિયાની નજીક છે. આદુ 260 રુપિયા કિલો, કોથમીર 160 રુપિયા કિલો, જ્યારે સરગવો 250 રુપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. લીલા શાકભાજીના ભાવ અંદાજે 100થી લઈને 150 રુપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ટામેટાની આવક ઓછી થતા સદી ફટકારી છે. સામાન્ય દિવસોમાં અંદાજે 20 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હાલમાં 100 રુપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે.
આ ભાવ વધારાના કારણે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર પડી છે. વેપારીના જણાવ્યા મુજબ ટામેટાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં અચાનક વધારો થયો છે. ટામેટા મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી આવતા હોય છે. ઉનાળાની ગરમીને લીધે 25 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત ડુંગળી અને બટાકાની આવક ઓછી આવવાને લીધે ભાવોમાં વધારો થયો છે.
આગામી દિવસોમાં પણ ભાવો વધે તેવી શકયતા છે. બીજી તરફ જયારે કોથમીર મધ્યપ્રદેશથી આવે છે. જેની આવક ઓછી હોવાથી કોથમીરના ભાવ ડબલ થયા છે. સામાન્ય દિવસોમાં સરગવો અંદાજે 60 રુપિયા કિલો મળતો હતો તે આજે 250 રુપિયા કિલો મળી રહ્યો છે.
ગયા મહિનાના છેલ્લા અઠવાડિયાથી દેશના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ ચોમાસાની શરૂઆત થતાં રેકોર્ડ તોડી રહેલી આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ બદલાયેલા હવામાનની અસરના કારણે લોકોના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. વાસ્તવમાં અત્યારે શાકભાજીના ભાવમાં વરસાદના કારણે ભારે વધારો થયો છે, જેની અસર સીધી સામાન્ય જનતાને પડી રહી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial