Salangpur : વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિર અને સ્વામિનારાયણ મંદિરોની વધારાઈ સુરક્ષા
અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે
સાળંગપુરઃ વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરની સુરક્ષામાં બે SRPની ટુકડી, પાંચ ડિવાયએસપી, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તે સિવાય અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો. ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પણ સુરક્ષા વધારાઇ છે.
ભાવનગર સ્વામિનારાયણ મંદિરોમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. ભાવનગર શહેરમાં આવેલ છ જેટલા મંદિરોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ મંદિર વિવાદને લઈને ભાવનગર પોલીસનો પણ બંદોબસ્ત સાળંગપુર ખાતે તૈનાત કરવામાં આવ્યો.
બીજી તરફ વડતાલ સ્વામિનારાયણના સાધુએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું હતું કે ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.
દર્શન સ્વામીએ કહ્યું હતું કે મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.
ગઇકાલે સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.