કોરોનાના કેસ ઘટતા બે મહિનાથી બંધ એવા આ રૂટ પર ફરી દોડશે ST બસ, સરકારે આપી મંજૂરી
મહત્વનું છે કે, 31 મેના દિવસથી જ ગુજરાતની એસ.ટી.બસમાં મુસાફરીની છૂટ મળી હતી.
કોરોનાના કેસમાં ઘટાડો થયા હવે ગુજરાતથી મધ્યપ્રદેશ, રાજસ્થાન વચ્ચેની એસટી બસ સેવા ફરીથી પૂર્વવત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આંતરરાજ્ય સર્વિસ શરૂ કરતા અગાઉ જે તે રાજ્યને લાગુ પડતી બોર્ડર પરની આરટીઓ કચેરી પર આંતરરાજ્ય સંચાલન શરૂ કરવાની તમામ કાર્રવાઈ પૂર્ણ કરી સંચાલન શરૂ કરવાના નિર્દેશ કરાયો છે.
એસટી વિભાગે જણાવ્યું કે કોરોનાને લીધે સાત એપ્રિલથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યારે 10 મેથી રાજસ્થાન રાજ્યમાં આતંરરાજ્ય સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન સરકારે આપવામાં આવેલી છુટછાટને આધારે આ બંન્ને રાજ્યો સાથે ગુજરાત બસ સેવા પૂર્વવત કરવાનો નિર્ણય કરાયો છે.
બન્ને રાજ્યની કોરોના હેઠળની છુટછાટોને ધ્યાને લઈને મહત્તમ ટ્રાફિક પ્રમાણ મળવાની શક્યતા ધરાવતી સર્વિસો પ્રાયોગિક ધોરણે શરૂ કરવા અને મુસાફર પ્રમાણ અને આવકની ચકાણી કરીને આવા સંચાલનમાં તબક્કાવાર વધારો કરાશે.
મહત્વનું છે કે, 31 મેના દિવસથી જ ગુજરાતની એસ.ટી.બસમાં મુસાફરીની છૂટ મળી હતી. હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે. 50 ટકાની જગ્યાએ 75 ટકાની કેપેસિટી રાખવામાં આવી છે. સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધીની બસને મુસાફરીની છૂટ અપાઈ છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણના કારણે GSRTC દ્વારા સિટિંગ કેપેસિટી ઘટાડી દેવાઈ હતી. અને ઓછા મુસાફરો સાથે બસ ચાલી રહી હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે પણ બસના રૂટોમાં ઘટાડો થયો હતો.
રાજ્યમાં છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે STની નિગમની ટ્રીપોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં ST નિગમની 44 હજાર ટ્રીપો ચાલુ હતી. જે હાલમાં 12 હજાર ટ્રીપો જ ચાલુ કરવામાં આવી છે. હાલના સમયમાં ડીઝલના પણ ભાવ વધ્યા છે. જેની નિગમ ખોટ કરી રહ્યું છે. આ ખોટની સીધી અસર કર્મચારીઓની માનસિક સ્થિતિ પર થઈ છે. વર્ષ 2021ના એપ્રિલ માસમાં 75 ટકા અને 50 ટકા સીટીંગ કેપેસીટી મુજબ સંચાલન કરાતા અંદાજે 100 કરોડ રૂપિયાનું નુકસાન નિગમને થયું છે.