Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી મળશે રાહત, જાણો શું છે આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.

અમદાવાદ: રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષના કારણને તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થશે જેથી ઠંડા પવન ફૂંકાશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો એ.કે.દાસ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને હજુ પણ વધવાની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે, હાલમાં જ અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ઉનાળો જબરજસ્ત આકરો રહેવાનો છે.
આગામી 7 માર્ચથી જ રાજ્યમાં ગરમી ભુક્કા બોલાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી સહિતના શહેરોમાં 42 ડિગ્રી સુધી પારો પહોંચી જશે. 6 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
માર્ચ મહિનામાં ગરમી અનેક રેકોર્ડ તોડશે
માર્ચ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી પડવા લાગી છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. ગુજરાતીઓએ માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ગરમીનું જોર વધવા લાગ્યું છે. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. હવામાનની આગાહી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારો થાય તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડી નાખશે. આ વર્ષે તાપમાન સામાન્ય 3થી 4 ડિગ્રી વધારે રહેશે.
રાજ્યમાં હીટવેવના દિવસોમાં પણ વધારો થઈ શકે છે. જો કે આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર,આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે અન્ય શહેરોમાં પણ તાપમાન 35 ડિગ્રી રહે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. અનેક શહેરોના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ કારણે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમીમાં વધારો થવાનો છે.





















