રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં 21 લાખથી વધુની ચોરી, બારી તોડી તસ્કરો ત્રાટક્યા
નર્મદાના રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં 21 લાખથી વધુની ચોરી થઈ છે. કામને લઈને રવિવારે પોસ્ટ માસ્ટર જ્યારે કચેરીએ પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી.
નર્મદા: નર્મદાના રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં 21 લાખથી વધુની ચોરી થઈ છે. કામને લઈને રવિવારે પોસ્ટ માસ્ટર જ્યારે કચેરીએ પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. નર્મદા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં જમા થયેલા નાણાં રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. દિવાળી હોવાથી રકમ બેંકમાં જમા નહોતી કરવામાં આવી. શનિવારે કચેરીના પાછળના ભાગે આવેલી બારી તોડી તસ્કરો ત્રાટક્યા અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ પહેલા આ જ પોસ્ટ ઓફિસમાંથી વર્ષ 2011માં ચોરી થઈ હતી. આટલા વર્ષો વિત્યા બાદ પણ પોસ્ટ ઓફિસમાં CCTV કેમેરા નહોતા લગાવાયા. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી, 9 લૂંટની ઘટના,ગુજરાત પોલીસે જાહેર કર્યા આંકડા
ગુજરાતમાં પોલીસ દ્વારા તહેવાર પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે. રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.
પાંચ વર્ષમાં પોલીસ ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં સફળ નથી રહી
જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં અસફળ રહી છે. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરી અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાં માત્ર 46,636 કેસ ઉકેલવામાં આવ્યા છે. 2020 અને 2021ના દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.
માત્ર 50 ટકા જેટલા કેસ ઉકેલાયા
2018માં 14,170 ચોરીના કેસ નોંધાયા હતા જેમાંથી માત્ર 42 ટકા કેસ ઉકેલાયા હતા. જ્યારે 2023ના સપ્ટેમ્બર મહિના સુધીમાં 16,529 ચોરીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 50 ટકા જેટલા કેસ ઉકેલાયા છે. ઘરફોડ ચોરીઓ માટે ગુના ઉકેલવાનો દર 2018માં 39 ટકાથી 2023 માં 55 ટકાની વચ્ચે રહ્યો હતો.
રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી અને 9 ઘરફોડ ચોરીઓ નોંધાઈ
પોલીસના આંકડા દર્શાવે છે કે 2018 થી 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી અને 9 ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે. પોલીસ દળની કામગીરીનો બચાવ કરતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના કેસ સોલ્વિંગના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ છેલ્લે 2021 માં ડેટા બહાર પાડ્યો હતો, જે મુજબ, તે વર્ષે ચોરી અને ઘરફોડ ચોરીઓની તપાસની રાષ્ટ્રીય સરેરાશ લગભગ 30 ટકા હતી.