શોધખોળ કરો
કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ પુરવાર થયેલ આ બે ઇન્જેક્શનની ગુજરાતમાં સર્જાઈ અછત
કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝૂમેબ અને રેમેડીસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ પુરવાર થયાં છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પ્રકોપ યથાવત છે. રાજ્યમાં રોજ 700થી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે ગંભીર દર્દીઓને આપવામાં આવતી રેમેડીસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની બજારમાં અછત સર્જાઈ છે. જેના કારણે દર્દીઓના સગાઓએ દવા માટે આમતેમ ભટકવાની સ્થિતિ ઉભી થઈ છે. બીજી બાજુ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેકશનની અછતને લઇને રજૂઆત કરી છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝૂમેબ અને રેમેડીસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ પુરવાર થયાં છે. આ જોતાં આ ઇન્જેકશનની ડિમાન્ડ વધી છે પણ બજારમાં તે ઉપલબ્ધ જ નથી. રેમેડીસિવીર ઇન્જેશન ની અછત સર્જાતાં દર્દીઓની સારવાર કરવી મુશ્કેલ બની છે. વેન્ટિલેટર પર દર્દી હોય અને ઇન્જેક્શન ન મળે તો દર્દીને બચાવવો મુશ્કેલ થાય છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ એવી અપીલ કરી કે,ડોક્ટરો ટોસિલિઝુમેબ અને રેમેડીસીવિરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. આ બંને દવાઓને હાલમાં જ મંજૂરી મળી છે એટલે બજારમાં નિયત માત્રામાં જથ્થો છે. ઓક્સિજનની જરૂરિયાત હોય તે સંજોગોમાં સ્ટિરોઇડ આપવા છતાંય દર્દીની સ્થિતીમાં સુધારો ન થાય તો આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.
વધુ વાંચો





















