રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હતા

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હતા. બ્રિજ દુર્ઘટનામાં પાંચથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા. અત્યાર સુધીમાં પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. હજુ પણ નદીમાં ખાબકેલા લોકોની રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા. ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો હતો. દક્ષિણ-મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌથી મોટો સવાલ એ થાય છે કે બ્રિજ જર્જરીત છતાં કેમ બંધ નહોતો કરાયો? વારંવારની દુર્ઘટના બાદ જ સરકાર કેમ બેદરકાર રહે છે? રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ પ્રકારની બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાઓ સર્જાઇ છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા બ્રિજ તૂટ્યા
-તાજેતરમાં જ બોટાદ જિલ્લાના જનડા ગામમાં પાટલીયા નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધરાશાયી થયો હતો. માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી ગયો હતો.
- વર્ષ 2023માં ખેડાના પરીએજથી બામણ ગામ વચ્ચે આવેલો નાનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોકે કોઇ જાનહાનિ ટળી નહોતી.
-પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાઇ થતા નીચે પડેલા ટ્રેક્ટર અને રીક્ષા દબાયા હતા. બ્રિજનો ભાગ ધરાશાય થતા વાહનોને નુકશાન થયું છે. બ્રિજના કાટમાળમાં દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
-વર્ષ 2020માં મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઈ જતા તંત્ર પર સવાલો ઉઠ્યા હતા.
- 2021માં અમદાવાદમાં શાંતિપુરા મુમતપુરા બ્રિજમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. ફ્લાયઓવરના બે કટકા થઇ ગયા હતા.
-મહેસાણા બાયપાસ પાસે પોદ્દાર સ્કૂલનો બ્રિજ તૂટી પડ્યો હતો. આ જ રીતે 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135ના મોત થયા હતા.
-વર્ષ 2023માં વડોદરા સિંઘરોટ ખાતે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. 2023માં પણ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો હતો.
-વર્ષ 2023માં જૂનાગઢમાં ઉબેણ નદી પરનો 45 વર્ષ જૂનો ધંધુસરના બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. બ્રિજ તુટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધુસરના આ બ્રિજનું 1975માં નિર્માણ થયું હતું.
-જૂન 2022માં ભરૂચ શહેરને જોડતો નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો એક ભાગ એકા-એક જમીનદોસ્ત થયો હતો. સદનસીબે આ ઘટનામાં નીચે બેસેલા લોકોનો બચાવ થયો હતો.
-તે સિવાય 2020માં રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બાયપાસ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત આ જ વર્ષે સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.





















