દાહોદમાં પોલીસે કરી દારૂની હેરાફેરી, કારમાંથી મળ્યો 66 હજારનો વિદેશી દારુ
દાહોદમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ પોલીસકર્મીઓ ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની કારમાં વિદેશી દારૂનો જથ્થો હતો.

ગુજરાતમાં વધુ એકવાર દારૂબંધીના ધજિયા ઉડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ પોલીસકર્મીઓ ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની કારમાં વિદેશી દારૂનો જથ્થો હતો. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભૂરિયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠીયા જ પાયલોટિંગ કરતા હતા. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી હતી.
લોકલ ક્રાઈમબ્રાંચને માહિતી મળતા તેણે વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ કાર પસાર થતા અટકાવી હતી. પોલીસે કાર અટકાવતા ત્રણેય પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા અંદરથી 66 હજારનો વિદેશી દારુ મળ્યો હતો. જિલ્લા પોલીસવડાએ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. ત્રણેય પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા હતા. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ભુરીયા, મોહન તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ હઠિલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક ટાટા પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠિલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા. દરમિયાન દાહોદ LCBને ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. પોલીસે બંને કારને રોકવાનો પ્રયાસ કરતા તેઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે પીછો કરી બંન્ને કારને ઝડપી લીધી હતી અને કારચાલકો ફરાર થયા હતા. હાલ તો પોલીસે ત્રણેય કર્મચારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અગાઉ અરવલ્લીમાં પણ દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીઓ ઝડપાયા હતા. 29 ડિસેમ્બર 2025ના અરવલ્લી જિલ્લા LCB પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રિક્ષામાં લવાયેલા 27 પેટી દારૂને કારમાં મૂકતી વખતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈને દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગના ધંધામાં સંડોવાયેલા હતા.





















