કારે બાઈક સવારને અડફેટે લેતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત, કાર ચાલકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
જૂનાગઢ જિલ્લાનું બાંટવા જ્યાં ઈકો કાર ચાલકે બાઈક સવાર 3 યુવકોને અડફેટે લેતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં આજે ચોંકાવનારો વળાંક આવ્યો છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનું બાંટવા જ્યાં ઈકો કાર ચાલકે બાઈક સવાર 3 યુવકોને અડફેટે લેતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં આજે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઈકો કાર ચાલકે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. 27 વર્ષીય નાથા કોડીયાતર પૂરપાટ ઝડપે ઈકો કાર લઈને જઈ રહ્યો હતો. બાંટવાના પાજોદ રોડ પર તેણે એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં હરદાસ ઓડેદરા, પરેશ રામ અને ભરત મોરી નામના ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
એક કારચાલકે અકસ્માત સમયના દ્રશ્યો પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા. જે વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જયા બાદ નાથા કોડીયાતર પોરબંદરના કૂતિયાણા નજીક દેવળા ગામે રહેતી બહેનના ઘરે પહોંચ્યો અને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, તેને પોતાની બેદરકારીના કારણે ત્રણ લોકોના જીવ ગયાનો અફસોસ હતો અને ગભરાઈ ગયો હતો. આ કારણે તેણે આ પગલું ભર્યું છે.
વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીનું ચોથા માળેથી પડી જતા કમકમાટી ભર્યું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી પાયલબેન મેરામભાઇ પરમાર (ઉ.વ.24) નામની યુવતી ગત સાંજે પુષ્કરધામ રોડ પર અમૃત બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલની હોસ્ટેલના ચોથા માળેથી પડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ઘટના અકસ્માતે બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસ સમક્ષ આવી હતી. આ ઘટના કઈ રીતે બની તે જાણવા પોલીસ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે.
વોકહાર્ટ હોસ્પિટલની પુષ્કરધામ રોડ પરની હોસ્ટેલમાં રહેતી મુળ જસદણના દહીસરાની વતની પાયલબેન પરમાર ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેનુ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના ASI વાય. ડી. ભગત, હેડકોન્સ. એમ. એસ. મકવાણા અને જયશ્રીબેને હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પાયલબેન હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી પુષ્કરધામ મેઈન રોડ પર અમળત બિલ્ડીંગમાં વોકહાર્ટ હોસ્પિટલની હોસ્ટેલમાં અન્ય મહિલા કર્મીઓ સાથે રહી નર્સીંગ સ્ટાફમાં નોકરી કરતી હતી. ગત સાંજે તે બિલ્ડીંગના ચોથા માળેથી પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુ પામનાર ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. બે વર્ષથી તે રાજકોટ રહેતી હતી. બનાવ આકસ્મિક છે કે કેમ પોલીસ તેની તપાસ કરી રહી છે.