Gujarat Unseasonal Rain: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, કચ્છમાં પણ કમોસમી વરસાદ
Gujarat Weather: 26 નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Update: રાજ્યમાં હાલ ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે અને પવનની દિશા બદલાઈ રહી છે . આ સમયે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત પર આવશે. આ સિસ્ટમ ગુજરાત સહિત, અરબી સમુદ્ર તથા મહારાષ્ટ્ર અને બીજા વિસ્તારો સુધી અસર કરશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે.
ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે.
કચ્છમાં પણ કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો.
26 નવેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ સંભાવના છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે જોવા મળી રહી છે.
ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે. આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે. જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે. ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે.