Unseasonal Rain: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ, ધારી પંથકને બનાવ્યુ નિશાન
Gujarat Weather: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
Weather Updates: ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશે.
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ધારી પંથકને નિશાન બનાવ્યું છે. ધારીના ગીર કાંઠાના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા છે. ચાર દિવસથી વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનની ભીતી છે.
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.
અમરેલીમાં ગઈકાલે આભમાંથી વરસ્યા કરા
હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.