વલસાડ: જાનૈયા ભરેલી બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 1 મહિલાનું મોત, 20થી વધુ ઘાયલ
સેલવાસ નજીક ઉપલામેઢા ગામના ટર્નિંગ પર બસ પલટી જતાં દુર્ઘટના, ઇજાગ્રસ્તોને ખાનવેલ હોસ્પિટલમાં ખસેડાયા, 14 ગંભીર રીતે ઘાયલ.

Valsad bus accident: રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી નજીક જાનૈયા ભરેલી એક બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 20થી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના દાદરા નગર હવેલીના દૂધની નજીક ઉપલામેઢા ગામના ટર્નિંગ પર બની હતી.
મળતી માહિતી મુજબ, દાદરા નગર હવેલીના દપાડાથી એક જાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરચોન્ડ ગામે ગઈ હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ ખાનગી બસમાં જાનૈયાઓ પરત ફરી રહ્યા હતા. દરમિયાન, દૂધની નજીક ઉપલામેઢાના જોખમી ટર્નિંગ પાસે પહોંચતા જ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે, બસ આ ટર્નિંગ પર જ પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, 14 જાનૈયાઓને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
જાનૈયા ભરેલી બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરી હતી. અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દાદરાનગર હવેલીમાં લગ્નનો ખુશીનો પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઈ ગયો છે.
લીંબડી-લખતર રોડ પર અકસ્માત, એકનું મોત
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, બાઇક ચાલકે તલસાણાના પાટિયા નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલમાં અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.





















