રામનવમીના શુભ અવસરે માધવપુરમાં CM અને કેન્દ્રીય મંત્રીએ કરાવ્યો મેળાનો પ્રારંભ, 30 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મેળાનું ઉદ્ઘાટન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિ, 30 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ.

Madhavpur Fair 2025: પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમીના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ અને પૂર્વ ભારતની ભાતીગળ લોકસંસ્કૃતિના સંગમ સમાન માધવપુર મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારિકાના નાથ ભગવાન કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામ નવમીથી ઉજવાતા આ મેળામાં લોકજીવન અને લોકસંસ્કૃતિનો અનોખો ધબકાર જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2018થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂપિયા 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું. આ વિકાસ કાર્યોથી યાત્રિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
મેળાના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માધવપુરનો મેળો એ રામ અને કૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ રામના જન્મોત્સવની પવિત્રતા છે તો બીજી તરફ ભગવાન કૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ જ નથી, પરંતુ તે આપણી એકતા, સાંસ્કૃતિક વારસો અને પરસ્પરના પ્રેમનું જીવંત ઉદાહરણ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રુકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને આ મેળો અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, ખાનપાન અને હસ્તકલાના આદાન-પ્રદાનથી સાકાર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મેળાને માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે લોકકલા માણવાનો અવસર જ નહીં, પરંતુ બીચ સ્પોર્ટ્સ જેવી સાહસિક રમતોની સ્પર્ધાનો ઉત્સવ બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુરના સમગ્ર વિસ્તારને પ્રવાસન માટેનું શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું હતું અને આ સ્થળોએ વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે રાજ્ય સરકાર કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવી રહી છે. જેના ભાગરૂપે પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે માટે આ વર્ષના બજેટમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ વગેરેના કલાકારો અને ગુજરાતના કલાકારો દ્વારા કરવામાં આવેલી કલા પ્રસ્તુતિઓના સમન્વયને પણ બિરદાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રામનવમીના પાવન અવસરે માધવપુરની પવિત્ર ભૂમિ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઘેડ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ અને ભરતીપૂરની સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા 75 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી અને આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોરબંદરને પાણી, પર્યાવરણ અને પર્યટન માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા મોકરસાગર તળાવની ભેટ આપી છે અને મુખ્યમંત્રી મેળામાં આવતા પહેલાં તેની મુલાકાત લઈને આવ્યા છે, જે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
માંડવીયાએ પોરબંદર-ઘેડ વિસ્તારમાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે માધવપુર અને તેની આસપાસના વિસ્તારને રિલીજીયસ ટુરીઝમનું હબ ગણાવ્યું હતું અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રના લોકો પોતાના મૂળ સાથે જોડાયા હોવાનું જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "વેડ ઇન ઇન્ડીયા" ના વિઝન માટે માધવપુરને ઉત્તમ સ્થળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સદીઓ પહેલાં અહીં ડેસ્ટિનેશન વેડિંગ થયું હતું.
રાજ્યના સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને આ વર્ષે પ્રથમવાર રાજ્યના વિવિધ સ્થળોએ પૂર્વોત્તર પ્રદેશના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને ક્રાફ્ટ બજારના આયોજનથી વધુ લોકોને માધવપુર મેળાનો પરિચય થયો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ મેળાના પ્રારંભ અવસરે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદઓ, મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.




















