ભારે વરસાદથી આ જિલ્લામાં જળબંબાકાર: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા જાહેર, નદી કાંઠાના વિસ્તારોને 'રેડ એલર્ટ'
Valsad waterlogging news: વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

Valsad waterlogging news: દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી અને સુરત જિલ્લા માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં થઈ રહેલા ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા કલેક્ટરે ટ્વીટ દ્વારા આવતીકાલે સોમવાર (29 સપ્ટેમ્બર)ના રોજ તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી છે. આ ઉપરાંત, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટી વધી છે અને આજે સાંજે 4:30 વાગ્યે તબક્કાવાર 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે દમણગંગા નદી કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વલસાડમાં વરસાદનો કહેર: શાળા-આંગણવાડી બંધ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી માહોલ યથાવત છે. આજે (28 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, અને ઉમરગામ, ધરમપુર, વલસાડ, વાપીમાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી છે, જેના પગલે જિલ્લા કલેક્ટરે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આવતીકાલે સોમવારે (29 સપ્ટેમ્બર) તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને પણ આગામી ચાર દિવસ માટે હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.
આજે વલસાડ જિલ્લાના મધુબન ડેમ માંથી સાંજે ૦૪:૩૦ કલાકે ૨,૫૦,૦૦૦ ક્યુસેક પાણી તબકકાવાર છોડવામાં આવનાર હોય, જેથી વાપી, કપરાડા, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં કોઈ અવરજવર ના કરવા તેમજ તકેદારી રાખવા વલસાડ જિલ્લાની જાહેરજનતા નમ્ર અપીલ કરવામાં આવે છે.@CMOGuj pic.twitter.com/YXdp3DXYQ4
— Collector Valsad (@collectorvalsad) September 28, 2025
મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે: દમણગંગા નદી કિનારે ઍલર્ટ
વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આજે બપોરે ડેમની સપાટી 79.50 મીટર પર પહોંચી હતી. ડેમમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે આજે સાંજે 4:30 વાગ્યે તબક્કાવાર 2.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવશે.
અગાઉ ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાના આ નિર્ણયને પગલે:
- વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અવરજવર ન કરવા તેમજ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
- દમણગંગા નદી તોફાની સ્વરૂપ ધારણ કરી રહી છે અને અનેક જગ્યાએ લો લેવલ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. મેઘવાડ ગામ નજીકનો લો લેવલ પૂલ પાણીમાં ગરકાવ થતાં બંને તરફના ગામોનો સંપર્ક કપાયો છે.
વાવાઝોડા સાથે વરસાદથી તારાજી
વલસાડ જિલ્લામાં ગત મોડી સાંજે વરસાદની સાથે વાવાઝોડાએ પણ ભારે તારાજી સર્જી છે. વલસાડ શહેરને અડીને આવેલા સુરવાડા, સરોણ, મગોદ, સેગવી જેવા ચાર જેટલા ગામોમાં મકાનોના પતરા ઉડવા સહિત ભારે નુકસાન થયું છે.
વહીવટી તંત્ર દ્વારા નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, શહેર અને આજુબાજુના ગામડામાં ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. જિલ્લામાં હાલ NDRFની ટીમ ઉપલબ્ધ ન હોવા છતાં, પાલિકાની ટીમો અને તાલુકા વિકાસ અધિકારીની ટીમો દ્વારા ચાર બોટના આધારે રેસ્ક્યુ અને અન્ય રાહતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડિઝાસ્ટર મામલતદારે જિલ્લામાં તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો છે.




















