IFFCO : ઇફકો સંકુલમાં ગુજરાતના ડિરેક્ટર પદ માટે આજ મતદાન, જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે સીધો મુકાબલો
જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે
સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી છે. દિલ્હીમાં આવેલા ઇફકો સંકુલમાં ગુજરાતના 1 ડિરેક્ટર માટે મતદાન થઇ રહ્યું છે. જયેશ રાદડીયા માટે અસ્તિત્વનો તો બિપીન પટેલ માટે આબરૂનો જંગ છે. ઉલ્લેખનિય છે કે, પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચતા જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે સીધો જંગ છે. ગત રાત્રે પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કરતા પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. ભાજપે બિપીન પટેલને સમર્થન આપ્યું છે, જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી છે. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો થઇ રહ્યો છે , સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતના 181માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો થઇ રહ્યો છે. ઇફકોના ગુજરાતના કુલ 181 મતદારો છે, જે આજે મતદાન કરશે.
જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-2 હોવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં રાદડિયાનો દબદબો
આ ચૂંટણીમાં કુલ 182 મતદારો છે. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોટા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.