'ચોમાસું આ તારીખથી બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે' - અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Rain News: અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે

Rain News: ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, આ વર્ષે 9 દિવસ વહેલો ચોમાસુ છે, કેટલાક પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું. આગામી મહિને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગામન થઇ જશે. હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસું અને વરસાદ ખેંચાવવાને લઇ મોટી આગાહી કરી છે. જોકે, ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન છે.
ગુજરાતમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલુ ચોમાસુ બેસી જશે. હવે આ મામલે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે. કેમકે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે. ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઇએ, ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળુ પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે, આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે, આજથી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાનું અનુમાન છે, 31 મે સુધી આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસશે. સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાહી કરવામાં આવી છે. 31 મે સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવનનું જોર રહેશે. અંબાલાલના મતે કચ્છ, ઉત્તર ગુજરાતમાં 50 થી 70 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે, મધ્ય ગુજરાતમાં 31 મે સુધી હળવાથી ભારે વરસાદનું અનુમાન છે, કેટલાક જિલ્લાના છૂટ્ટાછવાયા સ્થળે હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે શું કહ્યું
હવામાન વિભાગ અનુસાર 96 ટકાથી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. જ્યારે 90 ટકાથી ઓછો વરસાદ ઓછો અને 90 થી 95 ટકા સુધીનો વરસાદ સામાન્ય કરતાં ઓછો માનવામાં આવે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે. 28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.





















