Gujarat Cold: કોલ્ડવેવ માટે તૈયાર રહેજો, કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે છે. હવામાન વિભાગ દ્વારા હજુ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી બાદ રાજ્યના તાપમાનમાં ફેરફાર થશે. લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા નથી. હાલ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં આવુ જ વાતાવરણ રહેશે. ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો વધશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. વલસાડ,સુરત, ડાંગમાં ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધશે.
રાજ્યના હવામાનની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો છે. વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે.
ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં લોકો કાતિલ ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી ઓછુ તાપમાન નલિયાના બદલે ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે.
શહેરોમાં લઘુત્તમ તાપમાન
રાજ્યના અલગ-અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, ડીસામાં 9.6 ડિગ્રી, ગાંધીનગરમાં 9 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.6 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી, રાજકોટમાં 12.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial