Weather Live Updates: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ, જાણો ક્યાં સુધી રહેશે માવઠાની અસર
Weather Updates: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
LIVE
Background
Weather Updates: ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશે. આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદને લઈ ત્રણ દિવસ તો તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ ત્યારબાદ 10 માર્ચથી તાપમાનનો પારો 3 ડિગ્રી વધી શકે છે.
શેત્રુજી નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું, અમરેલીમાં આભમાંથી વરસ્યા કરા
હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે.
તો બીજી તરફ અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદે ધારી પંથકને નિશાન બનાવ્યું છે. ધારીના ગીર કાંઠાના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ છે. ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યા છે. ચાર દિવસથી વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સૌથી વધુ નુકસાનની ભીતી છે.
રાજકોટ મોસમી વરસાદને લઈને ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો..
રાજકોટ મોસમી વરસાદને લઈને ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ કહ્યું, કમોસમી વરસાદના કારણે સૌથી વધુ ફરીયાદ જસદણ તાલુકામાંથી મળી, ત્યાં સર્વેની કામગીરી આજ સવારથી શરૂ કરાવી. મે પોતે રાજકોટ તાલુકાના 10 ગામોની મુલાકાત લીધી છે. રાજકોટ જિલ્લાની ખેતીલાયક જમીનમાં 95% પાકની લણણી થઈ ચૂકી છે, 5% પાક ખેતરમાં પાક ઉભો હોવાનું અનુમાન છે. કમોસમી વરસાદના કારણે ઉત્પાદનમાં કોઈ મોટો તફાવત જોવા નહિ મળે. કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલ પાકની ગુણવત્તામાં ચોક્કસ ઘટાડો નોંધાશે, પડધરી, લોધિકા, ગોંડલ તાલુકામાંથી મોટા પ્રમાણમાં ફરીયાદો હજુ સુધી સામે નથી આવી.
ક્યારથી ગરમીમાં થશે વધારો
આવતીકાલથી વરસાદ ન પડવાની શક્યતા છે. 40 km/h ની સ્પીડથી પવન ફુંકાવવાની શક્યતા છે. માવઠાને કારણે હવામાન વિભાગે ખેડૂતો માટે સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે. 48 કલાક બાદ ગરમીમાં વધારો થશે
રાજ્યમાં 24 કલાક સુધી રહેશે માવઠાની અસર
હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સુધી માવઠું રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે, જ્યારે દાહોદ અને પંચમહાલ, મહીસાગર અને અરાવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે.
રાજકોટ જિલ્લાના લોધિકામાં ધાણાના પાકમાં નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકમાં ધાણાના ભાવમાં 50 ટકા કરતા વઘારે ઘટ પડશે, ઉપરાંત ધાણાની ક્વોલીટીમાં ઘટાડો થયો છે. હાલ ધાણાના 1000 થી 1200 ભાવ મળી રહ્યા છે, જેના વરસાદના કારણેે 400 થી 500 રુપિયા ભાવ મળશે.