Weather: એપ્રિલના અંતિમ અઠવાડિયામાં તબાહીના સંકેત, અંબાલાલે હીટવેવ સાથે ધૂળની ડમરીઓ ઉડવાની કરી આગાહી, વાંચો...
Gujarat Weather: અંબાલાલे આગાહી કરતાં જણાવ્યું છે કે, 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રીએ પહોંચી જશે

Gujarat Weather: એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે હવામાનકારો પણ એપ્રિલના અંતમાં તબાહીના સંકેતો આપી રહ્યાં છે. ગુજરાતમાં હાલ વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફુંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલના અંતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જાય તેવી આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રીએ પહોંચી જશે. ઉત્તર ગુજરાતમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન વધશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. તેમને વધુમાં જણાવ્યું છે કે, ધૂળની ડમરીઓ ઉડશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધૂળ ઉડશે. સહિત રાજ્યના ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડશે અને પવનનું જોર પણ વધુ રહેશે. આ ઉપરાંત 10 મેથી પવનની ગતિ વધશે. મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં 10 મેથી 15 જૂન વચ્ચે વાવાઝોડા બનશે. જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહેશે. ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. ગંગા યમુનાના મેદાન તપે ત્યાર બાદ લો પ્રેશર બની શકે. હવે પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. પરંતુ આગાહીકાર આબાલાલ પટેલનું અનુમાન છે કે એપ્રિલના અંત સુધીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ પહોંચી જશે.





















