Rain Update:સુરેન્દ્રનગરના ચુડામાં જળબંબાકાર, 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો?
Rain Update: વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરના ચુડામાં 12 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તાર જળમગ્ન થઇ ગયા
Rain Update: હવામાન વિભાગની આગાહી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસ્યો. ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ વરસતા છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે અને સ્થળોને વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ ઓવરફલો થયો હતો. નિચાણવાળા વિસ્તાર ના લોકોને દુર ખસી જવા સુચના આપવામાં આવી છે.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ મેઘમહેર યથાવત છે. નવસારી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ટાટા સ્કૂલ, ટાવર જુનાથાણા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી હતી. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વલસાડના હાલર રોડ, તિથલ રોડ અને કચેરી રોડ પર પડી પણ મેઘમહેર જોવા મળી હતી.ભાવનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અહીં જેસરમાં સવા ઈંચ, ભાવનગર અને પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ઝાપટું વરસ્યું હતું.
મહીસાગર જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસ્યો હતો. મધ્યરાત્રીએ લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વિરામ બાદ જિલ્લામાં ફરીથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આણંદના ઉમરેઠ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દિવસ દરમિયાન ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડર પ્રસરી ગઇ હતી. ઉમરેઠ નગરમાં ગણેશ મહોત્સવ ની પૂજા દરમિયાન ધોધમાર વરસાદ વરસતાં ગણેશ મહોત્સવમાં વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો.
વડોદરામાં પણ વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શહેરના છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, સમતા, ફતેગંજ, રાવપુરા સયાજીગંજ આજવા રોડ વાઘોડિયા રોડ, સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેર ઉપરાંત આસપાસના ગામડામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો હતો.