ગુજરાતનાં આ 8 મોટાં શહેરોમાં લોકડાઉન લાદવાનો રૂપાણી સરકાર લેશે નિર્ણય ? જાણો કેમ ચાલી રહી છે આ અટકળો ?
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્ય સરકારે રાજ્યનાં 8 મોટાં શહેરોમાં સ્કૂલ-કોલેજો બંધ કરાવીને માત્ર ઓનલાઈન શિક્ષણ કરાવવા ફરમાન કર્યું છે. તેના કારણે હવે આ 8 મોટા શહેરોમાં લોકડાઉન લદાશે એવી અફવા શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ એ આઠ મોટા શહેરોમાં લોકડાઉન લદાશે એવી અફવા ચાલી રહી છે.
જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી અને હાલમાં રાજ્ય સરકાર નાઈટ કરફ્યુનો કડક અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાજ્યનાં ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ લદાયો છે. આ કરફ્યુનો અમલ કરાવવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરશે કે જેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ એ આઠ મોટા શહેરોમાં લોકડાઉન લાદવાની શક્યતા અત્યારે નથી.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વકર્યો છે અને રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને નકારી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસ સતત વધી રહ્યા છે અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ બેઠક પછી રાજ્ય સરકારે ગઇકાલે અધિકારીઓ સાથે વીડિયો કોંફરન્સ કરી હતી.
રૂપાણીએ દાવો કર્યો કે, કોરોનાને રોકવા માટે રાજ્ય સરકારે વ્યાપક પગલાં લીધાં છે અને વેકસીનની કામગીરીમાં વેગ આણવા કહ્યું છે. 3 લાખ લોકોને 1 દિવસમાં રસી અપાય તે બાબતે સૂચના આપી છે અને ટેસ્ટિંગમાં પણ દરરોજ વધારો કરવાંમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દિવસ માં 60 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના અટકાવવા ટ્રેસિંગ કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે આગાઉ સારી રીતે કોરોના સામે લડત આપી હતી અને આ વખતે પણ લડત આપીશું.