Valsad: મહિલા પોલીસકર્મીએ સરકારી નોકરી આપવાની લાલચ આપી 28 લાખની છેતરપિંડી કરી, જાણો વધુ વિગતો
વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ છે.
વલસાડ: વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ છે. વલસાડ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની યોજાતી પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી આપી દેવાની લાલચ આપી યુવકો પાસેથી રૂપિયા 28 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી વૈશાલી દેસાઈ અને તેના અન્ય સાગરીત આશિષ પટેલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઇ છે.
અત્યાર સુધીની તપાસમાં મહિલા આરોપી અને તેના સાગરીતે વલસાડ જિલ્લાના પાંચથી વધુ યુવકોને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આ યુવકો પાસેથી રૂપિયા ત્રણ લાખથી પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. જોકે યુવકોને નોકરી નહીં લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે વૈશાલી દેસાઈ અને આશિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ વલસાડના એક યુવકે વલસાડના સોનવાળા વિસ્તારમાં રહેતી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી વૈશાલી દેસાઈ અને તેના સાગરીત આશિષ પટેલ વિરૂધ રૂપિયા પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મહિલા વૈશાલી દેસાઈ ફરિયાદીના દૂરના માસી હતા. જેમણે તેમની ગાંધીનગર સુધી લાઈન હોવાનું જણાવી સરકારી નોકરીની પરીક્ષાઓમાં પાસ કરાવ નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી . બદલામાં રૂપિયા પાંચ લાખની એડવાન્સ માગ કરી હતી. નોકરી મળ્યા બાદ વધુ રકમ આપવી પડશે તેવું જણાવ્યું હતું. જો કે ફરિયાદીએ આરોપી વૈશાલી દેસાઈને અને તેના સાગરીતને રૂપિયા પાંચ લાખ રોકડા આપ્યા હતા. જો કે પરિણામ આવ્યા બાદ પણ પોતાને નોકરી નહીં લાગતા પૈસા પરત માગતા પૈસા પરત આપવા આનાકાની કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કે આરોપી વૈશાલી દેસાઈએ વલસાડ અને ધરમપુર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોના પાંચથી વધુ યુવકો પાસેથી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા ત્રણ લાખથી લઈને પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. 28 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે .જોકે આરોપીઓ અત્યારે ફરાર હોવાથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા તપાસ તેજ કરી છે. પોલીસની આગામી તપાસમાં સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી છેતરપિંડી કરવાના આ પ્રકરણમાં હજુ પણ ચોકાવનારા અનેક ખુલાસા થાય તેમ લાગી રહ્યું છે.