UCC Bill : 370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડને લઈ હલચલ તેજ, સંસદમાં ભાજપ સાંસદે રજુ કર્યું બિલ
ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ કિરોરી લાલ મીણાએ ગૃહમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું હતું.
After Article 370 Now Uniform Civil Code : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ કલમ 370 હટાવ્યા બાદ ભાજપ તેના બીજા મોટા ચૂંટણી વચન તરફ આગળ વધી રહી હોય તેમ લાગે છે. ભાજપ હવે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આગળ વધી રહી હોય તેમ જણાય છે. સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં આ અંગેનું બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ બિલ મોદી સરકાર દ્વારા નહીં પરંતુ ભાજપના સાંસદ દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ ભૂતકાળમાં પણ અનેકવાર લિસ્ટ કરવામાં આવી ચુક્યું છે પરંતુ રજૂ થઈ શક્યું નથી. આ વખતે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ઉપલા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં તેને લાગુ કરવાની શક્યતાઓ શોધવા સમિતિઓની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનેય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગંભીર હોવાનો સંકેત આપી દીધો હતો.
વિપક્ષના હોબાળા વચ્ચે વચ્ચે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ
ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ કિરોરી લાલ મીણાએ ગૃહમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું હતું. વિપક્ષી સભ્યોના વિરોધ પર સરકારે મીણાનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, બિલ રજૂ કરવું એ તેમનો અધિકાર છે. જ્યારે વિપક્ષે બિલ પાછું ખેંચવાની માંગ કરી હતી ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેને મતદાન માટે મૂક્યું હતું . ધ્વનિ મતમાં બિલ રજૂ કરવાના પક્ષમાં 63 વોટ પડ્યા હતાં જ્યારે વિરુદ્ધમાં 23 વોટ પડ્યા હતાં. આ સમયે રાજ્યસભામાં ઘણા સાંસદો ગેરહાજર રહ્યાં હતા. ખાસ કરીને કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીના ઘણા સભ્યો ગેરહાજર રહ્યાં હતા. રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે મીનાના પગલાનો બચાવ કરતા કહ્યું હતું કે, કમ સે કમ આ વિષય પર ચર્ચા તો થવી જોઈએ.
યુનિફોર્મ સિવિલ કોડના અમલ સાથે સંબંધિત આ બિલ અગાઉના સત્રોમાં પણ ઘણી વખત સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ અગાઉ ક્યારેય રજુ નહોતું કરાયું. જ્યારે પણ અધ્યક્ષ અથવા અધ્યક્ષ વતી ખરડો રજૂ કરવા માટે કિરોરી લાલ મીણાનું નામ લેવામાં આવતું ત્યારે ત્યારે તેઓ ગૃહમાં ગેરહાજર રહેતા હતા. પણ આ વખતે એમ ના થતા આ વખતે તેમને સરકારનું સમર્થન પણ મળ્યું હતું. ગૃહમાં પ્રક્રિયા શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ બિલ દેશમાં શાંતિ અને ધર્મનિરપેક્ષતાને નુંકસાન પહોંચાડી શકે છે. ઉપપ્રમુખ ધનકરે વિરોધ કરી રહેલા વિપક્ષી સભ્યોને શાંત કર્યા અને તેમને તેમની ચિંતાઓ રજૂ કરવાની તક આપી હતી.
તેનાથી દેશમાં વધુ વિભાજન થશેઃ વિપક્ષ
યુનિફોર્મ સિવિલ કોડ ઇન ઇન્ડિયા બિલ- 2020માં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણની તૈયારી માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ સમિતિની રચના કરવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે વિપક્ષનું કહેવું છે કે, અગાઉ જ્યારે પણ આ બિલ લિસ્ટ કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર મીણાને રજૂ ન કરવા સમજાવતી હતી પરંતુ આ વખતે બિલને રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આરજેડી સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું હતું કે, હું પોતે આવા 6 પ્રસંગોનો સાક્ષી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે. વર્તમાનમાં શહેરો, ગામડાઓ અને પરિવારો વિભાજિત છે અને જો આ બિલ રજૂ કરવામાં આવશે તો દેશ વધુ વિભાજિત થશે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ એટલે તમામ નાગરિકો માટે સમાન કાયદો. ભારતમાં ફોજદારી કાયદો તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકાર જેવી નાગરિક બાબતોમાં એમ નથી. આવા કિસ્સાઓમાં પર્સનલ લૉ લાગુ પડે છે. જુદા જુદા ધર્મોને અનુસરતા લોકો માટે જુદા જુદા કાયદા છે. બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટ પણ અનેકવાર યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાને લઈને ટકોર કરી ચુકી છે.