અહમદ પટેલના દીકરાનું એક્ટ્રેસ અમિષા સાથે ચાલી રહ્યું છે અફેર ? ફૈઝલની મેરેજ પ્રપોઝલનો અમિષાએ શું આપ્યો જવાબ ?
અમીષા પટેલે એમ પણ કહ્યું કે હું અને ફૈઝલ બંને રાજકીય પરિવારમાંથી આવીએ છીએ.
અમીષા પટેલ હાલમાં તેની 'ગદર'ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફોટા અને વીડિયોના કારણે તેના વિશે ચર્ચા થઈ રહી છે. હવે તે તેના નજીકના મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં, અમીષા પટેલે બે દિવસ પહેલા એટલે કે 30 ડિસેમ્બર, 2021ના રોજ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરીને અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમની આ પોસ્ટ જોઈને મામલો અલગ જ લાગતો હતો જે હવે સ્પષ્ટ થઈ ગયો છે.
અમીષાએ લખ્યું, 'હેપ્પી બર્થડે મારા પ્રિય ફૈઝલ પટેલ. લવ યુ. તમારું વર્ષ સારું રહે.' હવે આ ટ્વીટમાં તેણે ઘણા હાર્ટ ઇમોજીસ મૂક્યા હતા. આ પછી ફૈઝલ પટેલનો જવાબ પણ આવ્યો. જો કે તેણે ટ્વીટ ડિલીટ કરી દીધી, પરંતુ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે લખ્યું, 'આભાર અમીષા પટેલ. હું તમને હવે જાહેરમાં પ્રપોઝ કરું છું, શું તમે મારી સાથે લગ્ન કરશો?' આ પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી અને માત્ર અમીષા પટેલની ટ્વીટને રીટ્વીટ કરી.
હવે પાંચ દિવસ પછી ફૈસલના ટ્વીટ ડીલીટ મામલે અમીષા પટેલે જણાવ્યું છે કે ફૈઝલનો તેની સાથે શું સંબંધ છે અને તેના પ્રપોઝનું સત્ય શું છે.
શું કહ્યું અમીષા પટેલે
અમીષાએ કહ્યું છે કે ફૈઝલ સાથે કોઈ પણ પ્રકારના અફેરની વાત સાવ ખોટી છે. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં અમીષાએ કહ્યું, અમે એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. હું ફૈઝલ અને તેની બહેનની મિત્ર છું. ફૈઝલ ઘણીવાર આવી મજાક કરે છે. આવી સ્થિતિમાં, તેણે જે લખ્યું તે માત્ર એક મજાક હતું, જેમ કે તે મિત્રો વચ્ચે થાય છે. આનાથી વધુ તેમાં કંઈ નથી. હું સિંગલ છું અને સિંગલ રહીને ખુશ છું. મારો અત્યારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.
બંને પરિવારોમાં ત્રણ પેઢીઓથી ઓળખાણ
અમીષા પટેલે એમ પણ કહ્યું કે હું અને ફૈઝલ બંને રાજકીય પરિવારમાંથી આવીએ છીએ. મારા દાદાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું, જ્યારે અહેમદ પટેલે સોનિયા ગાંધી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું. અમારા પરિવારો એકબીજાને ત્રણ પેઢીથી ઓળખે છે. હું અહેમદ પટેલ કાકાની ખૂબ નજીક હતી. આવી સ્થિતિમાં મિત્રતામાં મજાક મસ્તી પણ ચાલતી રહેતી હોય છે.
ફૈસલના ટ્વીટ ડિલીટ કરવા બદલ અમીષાએ ખુલાસો કર્યો, "મેં તેને કહ્યું હતું કે તમારે મેસેજ ડિલીટ ન કરવો જોઈતો હતો, અને મેં મારી સ્ટાઈલમાં પોસ્ટનો જવાબ આપ્યો હોત. પરંતુ તેણે કહ્યું કે તેને લોકોના ફોન આવવા લાગ્યા. તમે જુઓ જાહેર વ્યક્તિઓ સાથે આવું થાય છે, તમે જાહેરમાં મજાક પણ કરી શકતા નથી."