Karnataka Election 2023: હાર બાદ બસવરાજ બોમ્મઈએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
Karnataka Election 2023: કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ સાથે સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 65 બેઠકો મળી છે. કોંગ્રેસે 136 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી મેળવી છે. જેડીએસને 19 બેઠકો મળી હતી. અન્યના ખાતામાં માત્ર ચાર બેઠકો આવી છે.
લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કર્ણાટકની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારે છે. હું કર્ણાટકના મહેનતુ કાર્યકર્તાઓનો તેમના પ્રયાસો અને અમારા વિઝનમાં વિશ્વાસ દર્શાવનારા લોકોનો આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખશે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીને સક્રિયપણે અવાજ ઉઠાવીશું.
ભાજપ મુક્ત દક્ષિણ ભારત - મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ એક મોટી જીત છે. જેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ભાજપ અમને ટોણો મારતો હતો અને કહેતો હતો કે અમે 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે આ 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' છે.
અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએઃ યેદિયુરપ્પા
ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું હતું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.
પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. બે બેઠકોથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. પાર્ટીના કાર્યકરોએ આ પરિણામોની ચિંતા કરવાની જરૂર નથી.
હારની જવાબદારી મારી છે - બોમ્મઇ
કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇ કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. હારની જવાબદારી મારી છે. અમે વિશ્લેષણ કરીશું કે અમે ક્યાં ખોટું કર્યું.
કોંગ્રેસની જીતનો શ્રેય કર્ણાટકની 5 કરોડ જનતાને: ગૌરવ વલ્લભ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કર્ણાટકમાં જીતનો શ્રેય કર્ણાટકની 5 કરોડ જનતાને આપ્યો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સીએમ પદનો નિર્ણય કોંગ્રેસ નેતૃત્વ કરશે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂર્ણ કરશે.