BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
હૈદરાબાદથી ઓવૈસીનો હુંકાર: કાઉન્સિલરોને આપી સ્પષ્ટ ચેતવણી, કહ્યું- 'ગઠબંધનો નિર્ણય પાર્ટી લેશે, કોઈ વ્યક્તિગત રીતે ડીલ ન કરે'; મહારાષ્ટ્રમાં 125 બેઠકો જીતવા બદલ જનતાનો માન્યો આભાર.

Asaduddin Owaisi on BMC Results: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ખાસ કરીને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Election) ના પરિણામો બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તાનું સમીકરણ બેસાડવા માટે AIMIM ની ભૂમિકા મહત્વની બની શકે છે, ત્યારે પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ હૈદરાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પોતાના નવનિયુક્ત કાઉન્સિલરોને ચેતવણી આપી છે કે કોને ટેકો આપવો અને કોને નહીં, તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે.
ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડના હાથમાં
ઓવૈસીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) માં સત્તા સ્થાપવા માટે કોની સાથે ગઠબંધન (Alliance) કરવું, તે નિર્ણય કોઈ કાઉન્સિલર વ્યક્તિગત રીતે લઈ શકશે નહીં.
"પાર્ટીનો નિર્ણય જ આખરી રહેશે. જો કોઈ કાઉન્સિલર પક્ષની શિસ્ત વિરુદ્ધ જઈને નિર્ણય લેશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે," તેમ ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ (BJP) કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથને સમર્થન આપશે? ત્યારે તેમણે ફોડ પાડીને જવાબ આપવાને બદલે કહ્યું કે, "અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જો કોઈ અમારા પક્ષને તોડવાનો પ્રયાસ કરશે તો અમે અમારી રણનીતિ નક્કી કરીશું."
બિહાર જેવી ભૂલ નહીં થાય
પક્ષપલટાની શક્યતાઓ પર બોલતા ઓવૈસીએ બિહારનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, "બિહારમાં પણ અમારી પાર્ટીને તોડવાના પ્રયાસો થયા હતા, પરંતુ જનતાએ તે ગદ્દારોને પાઠ ભણાવ્યો છે. મહારાષ્ટ્રમાં જો કોઈ AIMIM ને તોડવાની કોશિશ કરશે, તો જનતા જ તેનો જડબાતોડ જવાબ આપશે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષના મેન્ડેટ પર ચૂંટાયેલા કાઉન્સિલરો પાર્ટી સાથે વફાદાર રહેશે.
જીતનો આંકડો અને જનતાનો આભાર
ઓવૈસીએ મહારાષ્ટ્રના મતદારોનો આભાર માનતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું:
BMC માં AIMIM ના 8 કોર્પોરેટરો જીત્યા છે.
ઔરંગાબાદ, અમરાવતી અને અકોલા સહિત અન્ય જગ્યાએ 33 ઉમેદવારો વિજેતા બન્યા છે.
રાજ્યભરમાં કુલ 125 કાઉન્સિલરો ચૂંટાયા છે.
તેમણે કહ્યું કે, "અમારી જીતમાં માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ હિન્દુઓ અને દલિત સમાજનો પણ મોટો ફાળો છે." આ સાથે જ તેમણે એકનાથ શિંદેના ગઢમાં ઉદ્ધવ ઠાકરે જૂથની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભાજપ શાસિત રાજ્યો પર પ્રહાર
પોતાના સંબોધનમાં ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઓડિશાના બાલાસોર અને મધ્યપ્રદેશના બેતુલની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. "જ્યાં ભાજપની સરકાર છે ત્યાં લઘુમતીઓ સાથે ભેદભાવ (Discrimination) થઈ રહ્યો છે. મોબ લિંચિંગ અને બુલડોઝરની કાર્યવાહી દ્વારા ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે," તેમ ઓવૈસીએ આક્ષેપ કર્યો હતો.




















