BBC IT Survey: CBIના સર્વેની કામગીરીને લઈ BBCએ ચિંધી આંગળી, લગાવ્યો ગંભીર આરોપ
બીબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પત્રકારોના ફોન લઈ લેવામાં આવ્યા હતા અને તેમને કામ કરવાની રીત વિશે પૂછવામાં આવ્યું હતું.
BBC IT Survey: તાજેતરમાં જ બીબીસીની મુંબઈ અને દિલ્હીની ઓફિસો પર સીબીઆઈએ બે દિવસ સુધી સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને દેશ સહિત દુનિયાભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો. હવે બીબીસીએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી અને મુંબઈમાં તેની ઓફિસમાં તાજેતરના સર્વે દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ પત્રકારોને કામ કરતા અટકાવ્યા હતા. આવકવેરા વિભાગની ટીમ મંગળવારે (14 ફેબ્રુઆરી)ના રોજ બીબીસીની ઓફિસમાં સર્વે કરવા પહોંચી હતી. ત્રણ દિવસ બાદ ગુરુવારે સાંજે સર્વેક્ષણ પૂર્ણ થયું હતુ.
સર્વેના સંદર્ભમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CDBT)એ એક નિવેદન બહાર પાડ્યું હતું કે સર્વેક્ષણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, મીડિયા/ચેનલની પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાય. બીબીસીના રિપોર્ટમાં સીડીબીટીના આ દાવાને રદિયો આપ્યો હતો. બીબીસી હિન્દી પર પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન બીબીસી પત્રકારોને ઘણા કલાકો સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેમાં બીબીસીના કર્મચારીઓ સાથે આવકવેરા વિભાગ અને પોલીસકર્મીઓની ગેરવર્તણૂકનો પણ દાવો કરવામાં આવ્યો છે.
બીબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પત્રકારોના ફોન લઈ લેવામાં આવ્યા હતા અને તેમને કામ કરવાની રીત વિશે પૂછવામાં આવ્યું હતું. પત્રકારોને સર્વે અંગે કંઈપણ લખતા અટકાવવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરિષ્ઠ સંપાદકોના વિરોધ બાદ કામને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હિન્દી અને અંગ્રેજી પત્રકારોને કામ કરતા રોકવાનો ઉલ્લેખ છે.
CDBTએ સર્વે વિશે શું કહ્યું?
બીબીસી ઓફિસમાં ત્રણ દિવસ સુધી ચાલેલો આ સર્વે ગુરુવારે પૂર્ણ થયો હતો. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અંગ્રેજી, હિન્દી અને અન્ય વિવિધ ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ ડેવલપમેન્ટ, એડવર્ટાઈઝમેન્ટ સેલ્સ અને માર્કેટ સપોર્ટ સર્વિસ વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલી અગ્રણી ઈન્ટરનેશનલ મીડિયા કંપનીના ગ્રૂપ એન્ટિટીના બિઝનેસ પરિસરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
અનિયમિતતાનો ઉલ્લેખ
જોકે નિવેદનમાં બીબીસીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે, તે બીબીસી સાથે સંબંધિત નિવેદન છે. સીડીબીટીએ નિવેદનમાં કહ્યું છે કે, બીબીસીના સર્વે દરમિયાન અનિયમિતતાઓ જોવા મળી હતી. જ્યારે બીબીસીએ કહ્યું છે કે, તેને જે પણ પ્રશ્નો પૂછવામાં આવશે તે જવાબ આપશે.