Hathras: ભોલે બાબાનો રહસ્યલોક, કિલ્લા જેવા આશ્રમમાં ચાલે છે ખુદના નિયમો, ફોન કે ફોટા પાડનાની પણ સખ્ત મનાઇ
Hathras Satsang Stampede: હાથરસ સત્સંગમાં નાસભાગ બાદ થયેલા અકસ્માત બાદ ભોલે બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ શોધ કરી રહી છે
Hathras Satsang Stampede: હાથરસ સત્સંગમાં નાસભાગ બાદ થયેલા અકસ્માત બાદ ભોલે બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ શોધ કરી રહી છે. દરમિયાન એબીપી ન્યૂઝની ટીમ યુપીના કાસગંજ પહોંચી, જ્યાં બાબાનો ભવ્ય આશ્રમ તેમના મૂળ ગામ બહાદુરનગર પટિયાલીમાં આવેલો છે. અહીંથી જ બાબાના સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. બાબાનો આ આશ્રમ કોઈ રહસ્યમય દુનિયાથી ઓછો નથી. અહીં તેમની મરજી વિના કોઇ નથી આવી કે જઇ શકતુ.
બાબા ભોલે યુપીના કાસગંજના બહાદુરનગર પટિયાલી ગામના રહેવાસી છે. નારાયણ હરિ ચેરીટેબલ ટ્રસ્ટનો બાબાનો આશ્રમ અહીં બનેલો છે. આ આશ્રમ અનેક વીઘા જમીન પર બનેલો છે, જેમાં બાબા પોતાના અંગત સુરક્ષા ગાર્ડ અને નોકર સાથે રહે છે. આ આશ્રમથી જ બાબાનું સામ્રાજ્ય શરૂ થયું હતું. બાબાના આ કિલ્લામાં તેમના પોતાના નિયમો અને કાયદા બન્નેનું પાલન કરવામાં આવે છે. આશ્રમની બહાર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું છે જેના પર તમામ નિયમો લખેલા છે.
રહસ્યલોક જેવો છે બાબાનો આશ્રમ
બાબાની આ ગુપ્ત દુનિયામાં ફોન સાથે રાખવાની સખત મનાઈ છે. અહીં કોઈને ફોટોગ્રાફ્સ લેવાની છૂટ નથી. તેઓ ના તો ફોટા લઈ શકે છે અને ના તો વીડિયો બનાવી શકે છે. એટલું જ નહીં આશ્રમની અંદરથી કોઈ વીડિયો કોલ પણ કરી શકતું નથી. આ તમામ બાબતો દરવાજાની બહાર નોટિસ બોર્ડ પર લખેલી છે.
જ્યારે એબીપી ન્યૂઝ બાબાના આશ્રમમાં પહોંચ્યા તો અહીં ઘણા સેવકો જોવા મળ્યા. બાબાના આશ્રમમાં અનેક ચોકીઓ બાંધવામાં આવી છે, આખા આશ્રમની ચારે બાજુ ઊંચી દીવાલો છે. ત્યાં એક મોટો સોનેરી રંગનો દરવાજો અને લાલ છત છે. આ આશ્રમ એક કિલ્લા જેવો છે. આશ્રમની અંદર ઘણી જગ્યાઓ બનાવવામાં આવી છે. જ્યાં બાબાના સેવકો રહે છે જેઓ આશ્રમની વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. એબીપી ન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતી વખતે એક નોકરે જણાવ્યું કે તે અહીં ખેતી કરે છે. આ સિવાય અન્ય જે પણ કામ તેમને આપવામાં આવે છે તે તેઓ કરે છે.
હાથરસની ઘટના પર પોલીસે સત્સંગના આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આયોજકોએ ભાગ લેવા માટે માત્ર 80 હજાર લોકોની પરવાનગી લીધી હતી પરંતુ 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. બાબાનું નામ પોલીસ એફઆઈઆરમાં પણ નથી. અકસ્માત બાદ બાબાના સેવકોએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પરથી લોકોનો સામાન અને ચપ્પલ ફેંકી દેવામાં આવ્યા હતા.