બિહારમાં ભાજ સાથે મોટો દાવ થઈ જશે! સહયોગી પક્ષે RJD સાથે જવાની ધમકી આપી
SBSP બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી 15 થી 25 સીટોની અપેક્ષા રાખે છે.

Bihar Election 2025: દેશનું રાજકીય ધ્યાન હવે દિલ્હીથી બિહાર તરફ કેન્દ્રિત થયું છે, જ્યાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં તાજેતરની રાજકીય ગતિવિધિઓ બાદ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે બિહાર પર નજર દોડાવી છે અને રાજ્યમાં પોતાના સહયોગી પક્ષો સાથે મળીને ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. જો કે, ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)એ વધુ સીટોની માંગણી કરીને ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, SBSP બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી 15 થી 25 સીટોની અપેક્ષા રાખે છે. પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે આ માટે દબાણની રાજનીતિ શરૂ કરી દીધી છે અને છેલ્લા ત્રણ મહિનામાં બિહારમાં 24 જેટલી રેલીઓ યોજી છે. SBSPના મહાસચિવે જણાવ્યું છે કે બિહારમાં ગઠબંધન માટે NDA તેમની પ્રથમ પસંદગી છે અને ભાજપ સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ભાજપ તેમની માંગણીઓ સ્વીકારે નહીં, તો તેઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) જેવા અન્ય પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવા માટે પણ વિચારશે.
બિહારના રાજકીય સમીકરણોની વાત કરીએ તો, મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ યુનાઇટેડ (JDU) ઉપરાંત, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) [LJP(RV)], હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) [HAM(S)], અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) જેવા પક્ષો પણ NDAમાં સામેલ છે. જો કે, SBSPની માંગણી ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે આ પાર્ટી ઓબીસી મતદારોમાં સારી પકડ ધરાવે છે અને જો તે અન્ય પક્ષો સાથે હાથ મિલાવે તો ભાજપ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે.
SBSP એ બિહારમાં 25 બેઠકો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં સાસારામ, પશ્ચિમ ચંપારણ, નવાદા, નાલંદા અને ગયા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ ઓબીસી અને મહાદલિત મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે JDU અને RJD બંનેની વોટ બેંક છે. SBSP રાજભર અને તેના જેવા અન્ય ઓબીસી સમુદાયોમાં પોતાનો મજબૂત આધાર હોવાનો દાવો કરે છે, જે બિહારની વસ્તીનો એક મોટો ભાગ છે.
ઉલ્લેખનીય છે કે SBSP એ અગાઉ 2019ની લોકસભા ચૂંટણી પહેલા NDA સાથે છેડો ફાડી નાખ્યો હતો, જે ભાજપ માટે એક મોટો ઝટકો હતો. જો કે, જુલાઈ 2023માં તેઓ ફરીથી NDAમાં જોડાયા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે SBSPની માંગણીઓ અને તેના વલણને જોતા, બિહારમાં બેઠક વહેંચણી ભાજપ માટે એક પડકારજનક પ્રક્રિયા બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ પોતાના સહયોગી પક્ષોને કેવી રીતે મેનેજ કરે છે અને બિહારમાં પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ થાય છે કે કેમ.
આ પણ વાંચો....
બિહારમાં ભાજપને નીતિશ કુમારનો તોડ મળી ગયો? જાણો કોણ છે એ વ્યક્તિની જેની થઈ રહી છે ચર્ચા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
