ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર
BJP Likely to Issue Notice to Nitin Gadkari and Others: આ સાંસદોને ભાજપ દ્વારા તેના લોકસભા સભ્યોને પહેલાથી જ જારી કરાયેલી ત્રણ લાઇનના વ્હીપનો અનાદર કરવા બદલ નૉટિસ મોકલવામાં આવશે
BJP Likely to Issue Notice to Nitin Gadkari and Others: ભારતીય જનતા પાર્ટી (BJP) તેના કેટલાક સાંસદોને નૉટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. આમાં કેટલાક મોટા નામો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તેના લોકસભાના સભ્યોને નૉટિસ મોકલશે જે મંગળવારે 'વન નેશન વન ઇલેક્શન' (ONOE) બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં હાજર ન હતા. આ મોટા નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજસિંહ જેવા નામો પણ સામેલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સાંસદોને ભાજપ દ્વારા તેના લોકસભા સભ્યોને પહેલાથી જ જારી કરાયેલી ત્રણ લાઇનના વ્હીપનો અનાદર કરવા બદલ નૉટિસ મોકલવામાં આવશે. આ વ્હીપમાં પક્ષના તમામ સાંસદોને લોકસભામાં બિલની રજૂઆત વખતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
ગેરહાજર રહેવાનું કારણ સ્પષ્ટ નથી
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાર્ટીના સૂત્રોને ટાંકીને કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ હાજર ન હતા તેઓએ પૂર્વ-આયોજિત કાર્યક્રમના કારણે કે અન્ય કોઈ કારણોસર પાર્ટીને તેમની ગેરહાજરી વિશે જાણ કરી હતી.
મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતુ બિલ
મંગળવારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ અંગે મતદાન થયું હતું. જેમાં 269 સભ્યોએ બિલ રજૂ કરવાની તરફેણમાં અને 196 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. હવે આ બિલને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે.
કોણ-કોણ હતુ ગેરહાજર
મંગળવારે લોકસભામાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજસિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સીઆર પાટીલ સહિત લગભગ 20 BJP સાંસદો ગેરહાજર હતા. ANIના અહેવાલ મુજબ, બિલની રજૂઆત દરમિયાન શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્દ્ર, વિજય બઘેલ, ઉદયરાજે ભોસલે, જગન્નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્ના, ચિંતામણિ મહારાજ પણ ગૃહમાં હાજર ન હતા.
આ પણ વાંચો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."