ઈરાનના પેસેન્જર વિમાનમાં બોમ્બના સમાચારથી ભારત અને ચીનમાં હડકંપ, જાણો પ્લેનના લેન્ડિંગ બાદ શું થયું?
ઈરાનના પેસેન્જર જેટમાં (Iranian Passenger Jet) બોમ્બ હોવાની માહિતી મળતાં ભારતથી (India) ચીન (China) સુધી હંગામો મચી ગયો હતો.
Bomb Threat in Iranian Jet: ઈરાનના પેસેન્જર જેટમાં (Iranian Passenger Jet) બોમ્બ હોવાની માહિતી મળતાં ભારતથી (India) ચીન (China) સુધી હંગામો મચી ગયો હતો. સોમવારે (3 ઓક્ટોબર) સવારે પાકિસ્તાનની લાહોર એટીસીએ ઈરાનના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. આ પછી ઈરાની વિમાને દિલ્હીમાં ઉતરાણ કરવાની પરવાનગી માંગી હતી.
પાકિસ્તાન તરફથી બોમ્બની સૂચના મળ્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને ઈરાનના વિમાનને દિલ્હીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મહાન એરલાઇન્સના (Mahan Airlines) પ્લેનનો પાઇલટ દિલ્હીમાં લેન્ડિંગ પર અડગ હતો. ઈરાની વિમાનને ભારતમાંથી જયપુર અથવા ચંદીગઢમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેના પાઈલટે વિમાનને બેમાંથી કોઈ એક એરપોર્ટ પર ડાયવર્ટ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
તેહરાન તરફથી આ માહિતી આપવામાં આવી
થોડા સમય પછી તહેરાન તરફથી ભારતને જણાવવામાં આવ્યું કે, પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર ખોટા છે અને આ સમાચારને નજરઅંદાજ કરવા જોઈએ. તેહરાનથી કોલ આવે તે પહેલા ભારતીય વાયુસેનાના સુખોઈ એરક્રાફ્ટે ચોક્કસ અંતર સાથે ઈરાની વિમાનનો પીછો કરવાનું શરુ કર્યું હતું. બોમ્બના સમાચાર ખોટા હોવાનું જણાવાયા બાદ IAF એરક્રાફ્ટે ઈરાની જેટને ભારતની હવાઈ સીમામાંથી બહાર મોકલી દીધું હતું. આ પછી ઈરાની પેસેન્જર પ્લેન તેના રુટ પ્રમાણે ચીન તરફ રવાના થયું હતું. બાદમાં માહિતી મળી કે ઈરાની વિમાન ચીનના ગુઆંગઝૂમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું છે.
મહાન એરલાઈન્સે શું કહ્યું?
આ સમગ્ર અફરા-તફરીમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ સંયુક્ત રીતે નિર્ધારિત પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરી છે. સમગ્ર ઘટના અંગે ઈરાનની મહાન એરલાઈન્સના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જઈ રહેલા એરબસ 340માં બોમ્બ હોવાની વાત માત્ર અફવા હતી. વિમાનમાં કોઈ બોમ્બ નહોતો.
જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, "વિમાનમાં બોમ્બ હોવાની શક્યતા વિશે પાયલટને જાણ થતાં જ તેણે તરત જ એરલાઈન્સના ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો, ત્યારબાદ જાણવા મળ્યું કે, બોમ્બ વિશેની માહિતી સંપૂર્ણપણે અફવા હતી. એવું લાગે છે કે સુરક્ષા અને શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી આવી અફવા ફેલાવવામાં આવી હતી."