By-election Results 2022: એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોનું આજે પરિણામ, શત્રુઘ્ન સિન્હાની પ્રતિષ્ઠા દાવ પર
પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 12 એપ્રિલના રોજ મતદાન યોજાયુ હતુ.
નવી દિલ્હીઃ દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 12 એપ્રિલના રોજ મતદાન યોજાયુ હતુ.
પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી તૃણમુલ કોગ્રેસે શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપી હતી. આ હાઈપ્રોફાઈલ સીટ પર ટીએમસીના ઉમેદવાર સિન્હાનો મુકાબલો બીજેપીના અગ્નિમિત્રા પોલ સાથે છે. બાબુલ સુપ્રિયોના રાજીનામાથી આ બેઠક ખાલી થઇ હતી. નોંધનીય છે કે બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
બીજી તરફ બાબુલ સુપ્રિયો ટીએમસીની ટિકિટ પર બાલીગંજ વિધાનસભા પરથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર બાબુલ સુપ્રિયોનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના કેયા ઘોષ અને માર્ક્સવાદી કોમ્યુનિટ પાર્ટીના સાયરા શાહ હલિમ સામે છે. આ સીટ TMCના ધારાસભ્ય અને મમતા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી પડી હતી.
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર મહાવિકાસ અઘાડી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. આ મતવિસ્તારમાંથી કોંગ્રેસે દિવંગત ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે સત્યજીત કદમ પર દાવ લગાવ્યો છે. નોંધનીય છે કે આ બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના નિધનના કારણે ખાલી થઈ હતી.
આ સિવાય છત્તીસગઢની ખૈરાગઢ સીટ પર પણ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય કોમલ જંઘેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસે યશોદા વર્મા નામના મહિલા ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે જનતા કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં ખૈરાગઢ રાજવી પરિવારના જમાઈ નરેન્દ્ર સોનીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જનતા કોંગ્રેસ છત્તીસગઢ (J) ધારાસભ્ય દેવવ્રત સિંહના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
બીજી તરફ બિહારની બોચહાં વિધાનસભા બેઠક પર વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ ડોક્ટર ગીતા દેવી અને રાષ્ટ્રીય જનતા દળે અમર પાસવાનને ઉમેદવાર બનાવ્યા હતા. તે સિવાય ભાજપે બેબી કુમારી અને કોગ્રેસ તરુણ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. નોંધનીય છે કે વીઆઇપી ધારાસભ્ય મુસાફિર પાસવાનના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ છે.