CBFC : ફિલ્મ Oppenheimerને લઈ મોદી સરકાર એક્શનમાં, આપ્યા આકરા આદેશ
ફિલ્મમાં ભગવદ ગીતા સાથે જોડાયેલા એક સીનને લઈને વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઈને ચાહકમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ફિલ્મના બહિષ્કારની માંગ કરવા લાગ્યા છે.
Oppenheimer Controversy : બ્રિટિશ-અમેરિકન ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહેઇમરે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. જોકે આ ફિલ્મને લઈને ભારતમાં વિવાદો સર્જાયો છે. ફિલ્મમાં ભગવદ ગીતા સાથે જોડાયેલા એક સીનને લઈને વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઈને ચાહકમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ફિલ્મના બહિષ્કારની માંગ કરવા લાગ્યા છે. હવે રિપોર્ટ્સ અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સેન્સર બોર્ડને આદેશ આપ્યા છે.
હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, સૂત્રએ કહ્યું હતું કે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે વિવાદિત દ્રશ્ય પર કડક વલણ અપનાવ્યું છે. અનુરાગ ઠાકુરે આ વાંધાજનક દ્રશ્ય પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસે જવાબ માંગ્યો છે. તેમણે ફિલ્મના નિર્માતાઓને આ વિવાદાસ્પદ દ્રશ્યને ફિલ્મમાંથી તાત્કાલિક હટાવવાની સૂચના આપી છે. આ સિવાય તેમણે વિવાદાસ્પદ સીન સાથે ફિલ્મના સ્ક્રીનિંગને મંજૂરી આપવામાં સામેલ તમામ CBFC સભ્યો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
કયા દ્રશ્યને લઈ સર્જાયો વિવાદ?
જાહેર છે કે, આ ફિલ્મમાં અભિનેતા સિલિયન મર્ફી અને ફ્લોરેન્સ પુગ વચ્ચે એક ઈન્ટિમેટ સીન બતાવવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં ઓપેનહાઇમર ભગવદ ગીતાના કેટલાક શ્લોકો પાઠ કરતા જોવા મળે છે. આ દ્રશ્ય દરમિયાન, એવું બતાવવામાં આવ્યું છે કે, ફ્લોરેન્સ પગ સિલિયન મર્ફીના બુકશેલ્ફમાં જાય છે અને જુએ છે કે, વિજ્ઞાન સંબંધિત પુસ્તકો વચ્ચે એક અલગ પુસ્તક રાખવામાં આવ્યું છે. ફ્લોરેન્સ એ પુસ્તક વિશે પૂછે છે. ઓપનહેમર તેને સંસ્કૃત ભાષાનું પુસ્તક કહે છે. ત્યાર બાદ ફ્લોરેન્સ સિલિયન મર્ફીને તે પુસ્તકમાંથી થોડીક પંક્તિઓ વાંચવા કહે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના માહિતી કમિશનર ઉદય માહુરકરે પણ ઓપેનહેમરના વિવાદાસ્પદ દ્રશ્ય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે 'સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન'ની પ્રેસ રિલીઝ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "સૌકોઈને ભારે આશ્ચર્ય થાયું છે કે, સીબીએફસી આ સીન સાથે ફિલ્મને કેવી રીતે મંજુરી આપી શકે."
નોંધપાત્ર વાત એ છે કે, આ ફિલ્મ ભારતમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 49 કરોડની કમાણી કરી લીધી છે. કાશ્મીરના સિનેમાઘરોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ કાશ્મીરના સિનેમા હોલમાં 'ઓપેનહાઇમર'ને મળેલા જબરજસ્ત પ્રતિસાદ અંગે પોતાનો ઉત્સાહ શેર કર્યો છે.